<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

મહારાષ્ટ્રની જેલો હાઉસફુલ: ક્ષમતા કરતા 173% વધુ કેદીઓ ભરાતા વહીવટીતંત્ર લાચાર; આર્થર રોડ, થાણે અને તલોજા જેલની સ્થિતિ સૌથી ખરાબ, માનખુર્દ પ્રોજેક્ટ પર આશા

બ્રિટિશ કાળની ઐતિહાસિક આર્થર રોડ જેલમાં ક્ષમતા કરતા ત્રણ ગણાથી વધુ કેદીઓ ખડકાયા; સ્ટાફની અછત અને ગંદકીના કારણે રોગચાળાનો ભય, અંડરટ્રાયલ કેદીઓની સંખ્યા સૌથી વધુ

મુંબઈ, તા. 16: મહારાષ્ટ્રની જેલોમાં કેદીઓની સતત વધતી સંખ્યાને કારણે જેલ પ્રશાસન પર દબાણ ભારે વધી ગયું છે. ખાસ કરીને મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) ની જેલો તેમની નિર્ધારિત ક્ષમતા કરતા ઘણી ગણી વધુ ભરાઈ ગઈ છે. આર્થર રોડ સેન્ટ્રલ જેલ, બાયકુલા, તલોજા અને થાણે જેલ હાલમાં કેદીઓથી ઉભરાઈ રહી છે, જે જેલ વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર બની ગયો છે. જો કે, જેલ વિભાગને આ ગંભીર સમસ્યામાંથી બહાર નીકળવા માટે મુંબઈના માનખુર્દ ખાતે પ્રસ્તાવિત નવી જેલ પ્રોજેક્ટ પર મોટી આશા છે, જેના માટે 11 એકરની દબાણમુક્ત જમીન સોંપવામાં આવી છે.

સમગ્ર મહારાષ્ટ્રની વાત કરીએ તો, રાજ્યની જેલોની કુલ ક્ષમતા 24,722 કેદીઓની છે, જેની સામે હાલમાં આશરે 42,727 કેદીઓ રાખવામાં આવ્યા છે. એટલે કે જેલો પોતાની ક્ષમતા કરતા 173 ટકા વધુ ભરાયેલી છે. આ કેદીઓમાં 41,007 પુરુષો, 1,707 મહિલાઓ અને 13 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આમાં મોટો હિસ્સો એવા અંડરટ્રાયલ (કાચા કામના) કેદીઓનો છે, જેઓ ગરીબીને કારણે જામીન ન મળી શકતા વર્ષોથી જેલમાં સડી રહ્યા છે. જેલોમાં ક્ષમતા કરતા વધુ ભીડ હોવાના કારણે અપૂરતી સ્વચ્છતા, પાણીની અછત અને કેદીઓમાં રોગચાળો ફેલાવવાનો ખતરો સતત મંડાતો રહે છે.

મુંબઈની પ્રખ્યાત આર્થર રોડ જેલ, જે બ્રિટિશરો દ્વારા વર્ષ 1926માં બનાવવામાં આવી હતી, તે આ કટોકટીનું સૌથી મોટું ઉદાહરણ છે. માત્ર 6 એકરમાં ફેલાયેલી આ જેલની સત્તાવાર ક્ષમતા 999 કેદીઓની છે, પરંતુ વર્તમાનમાં ત્યાં 3,410 કેદીઓ રાખવામાં આવ્યા છે જે તેની ક્ષમતા કરતા ત્રણ ગણાથી પણ વધુ છે. આવી જ સ્થિતિ થાણે જેલની છે જ્યાં 1,086ની ક્ષમતા સામે 2,936 કેદીઓ છે અને નવી મુંબઈની તલોજા જેલમાં 2,124ની ક્ષમતા સામે 2,949 કેદીઓ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કોર્ટની નજીક હોવાના કારણે આ જેલોમાં કેદીઓની અવરજવર વધુ રહે છે અને સુરક્ષાના કારણોસર તેમને દૂરની જેલોમાં શિફ્ટ કરવા પણ એક મોટું જોખમ સાબિત થઈ શકે તેમ છે.

(3:57 PM IST)