<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

મહારાષ્ટ્ર TET પેપર લીક કૌભાંડ: ભિવંડી કોર્ટે તમામ ૧૮ આરોપીઓને ૧૪ ઓક્ટોબર સુધી જેલના સળિયા પાછળ ધકેલ્યા!

પોલીસ તપાસમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ ન દેખાતાં અદાલતનો આકરો આદેશ: ૨૮ જૂને યોજાનારી પરીક્ષા પેપર લીક થવાના કારણે કરી દેવાઈ હતી રદ

ભિવંડી : સમગ મહારાષ્ટ્રમાં ભારે ચર્ચા જગાવનારા 'ટીચર એલિજિબિલિટી ટેસ્ટ' (TET) ૨૦૨૬ ના પેપર લીક કૌભાંડમાં ભિવંડી કોર્ટે મોટો આદેશ આપ્યો છે. અદાલતે આ કેસમાં સંડોવાયેલા તમામ ૧૮ આરોપીઓને ૧૪ ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડી (ન્યાયિક કસ્ટડી) માં મોકલી આપવાનો હુકમ કર્યો છે. બચાવ પક્ષના વકીલ શૈલેષ ગાયકવાડે આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ૨૦ સપ્ટેમ્બરથી પોલીસ કસ્ટડીમાં રહેલા બે મુખ્ય આરોપીઓ સહિત બાકીના તમામ ૧૬ આરોપીઓને હવે જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.

 

પોલીસ તપાસની ધીમી ગતિ પર બચાવ પક્ષના સવાલો

 

બચાવ પક્ષના વકીલે અદાલત સમક્ષ દલીલ કરી હતી કે અગાઉના કસ્ટડી પિરિયડ દરમિયાન પોલીસ તપાસમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ દર્શાવી શકી નથી. નાણાકીય વ્યવહારો, પૈસાની લેવડ-દેવડ, પ્રશ્નપત્ર ખરીદનારા ઉમેદવારો કે લીક કરવાના મુખ્ય સ્ત્રોત અંગે કોઈ નક્કર પુરાવા પોલીસ રજૂ કરી શકી નથી. હાલ આ કેસ આરોપીઓ સામે આરોપ નક્કી કરવાના (Framing Charges) તબક્કે છે. આ કેસમાં જામીન અરજી કે ટ્રાયલની આગળની પ્રક્રિયા અંગે સોમવાર સુધીમાં પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

 

૨૮ જૂને યોજાનારી પરીક્ષા છેલ્લી ઘડીએ રદ કરાઈ હતી

 

ઉલ્લેખનીય છે કે ૨૮ જૂન, ૨૦૨૬ ના રોજ સમગ્ર મહારાષ્ટ્રના ૧,૦૨૮ કેન્દ્રો પર TET પરીક્ષા યોજાવાની હતી. પરંતુ ૨૭ જૂનની સવારે ભિવંડીમાં કેટલાક શંકાસ્પદ ઈસમો પાસે TET ના પ્રશ્નપત્રો હોવાની ગુપ્ત માહિતી મળતાં ભિવંડી પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન દરોડામાં મળેલા પ્રશ્નો વાસ્તવિક પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે હૂબહૂ મળતા આવતા હોવાનું ખુલ્લું પડ્યું હતું. આ ગંભીર અનિયમિતતા સામે આવ્યા બાદ 'મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સિલ ઓફ એક્ઝામિનેશન' (MSCE) એ પરીક્ષા તાત્કાલિક અસરથી મુલતવી રાખીને વિગતવાર તપાસના આદેશ આપ્યા હતા.

(8:02 PM IST)