<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

મહારાષ્ટ્રની શાળાઓ બનશે સુપર-ટેક: ૪ લાખથી વધુ શિક્ષકોને AI અને ડિજિટલ ટેક્નોલોજીની તાલીમ આપવા સરકારના ગૂગલ (Google) સાથે કરાર!

આગામી ૧૮ મહિનામાં શિક્ષકો શીખશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પાઠ; 'ગૂગલ AI એજ્યુકેટર સિરીઝ' હેઠળ સરકારી તિજોરી પર એકપણ રૂપિયાના બોજ વગર મળશે વિશ્વસ્તરીય ટ્રેનિંગ

મુંબઈ : મહારાષ્ટ્રના શિક્ષણ ક્ષેત્રે આધુનિક ક્રાંતિ લાવવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને મોટું કદમ ઉઠાવ્યું છે. મહારાષ્ટ્રના શાળા શિક્ષણ વિભાગે આજે ટેકનોલોજી જગતની દિગ્ગજ કંપની ગૂગલ (Google) સાથે એક મહત્વપૂર્ણ લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ આગામી ૧૮ મહિનાની અંદર રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના ૪ લાખથી વધુ શિક્ષકોને કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક ડિજિટલ ટેકનોલોજીની વિશેષ તાલીમ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને મળશે ડિજિટલ યુગનું નવું શિક્ષણ

શાળા શિક્ષણ મંત્રી દાદાજી ભૂસેની વિશેષ ઉપસ્થિતિમાં આ સીમાચિહ્નરૂપ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ અનોખી પહેલનો મુખ્ય હેતુ આપણા શિક્ષકોને આધુનિક સમયની તકનીકી કુશળતાથી સજ્જ કરવાનો છે, જેથી તેઓ શાળાઓમાં સ્માર્ટ અને AI-આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપી શકે. આ પ્રોજેક્ટ હેઠળ સૌપ્રથમ કેટલાક પસંદગીના 'માસ્ટર ટ્રેનર્સ'ને તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ 'Google AI એજ્યુકેટર સિરીઝ' ના માધ્યમથી સમગ્ર રાજ્યના શિક્ષકો સુધી આ જ્ઞાન પહોંચાડશે.

સરકારી તિજોરી પર નહીં પડે એકપણ રૂપિયાનો ભાર

શિક્ષણ મંત્રીએ રાજ્યના નાગરિકો માટે એક વધુ સારા સમાચાર આપતા સ્પષ્ટ કર્યું હતું કે, ગૂગલ દ્વારા આ આખો તાલીમ કાર્યક્રમ સંપૂર્ણપણે મફત (Free of Cost) ચલાવવામાં આવશે. આનાથી મહારાષ્ટ્ર સરકાર પર કોઈ પણ પ્રકારનો નાણાકીય બોજ નહીં પડે. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપનું આ એક ઉત્તમ ઉદાહરણ સાબિત થશે, જ્યાં સરકારી શાળાઓના બાળકોને પણ ખાનગી શાળાઓ જેવા જ હાઈટેક શિક્ષકોનો લાભ મળશે.

મરાઠી સહિત ત્રણ ભાષાઓમાં ઉપલબ્ધ થશે ટ્રેનિંગ મટીરીયલ

શાળા શિક્ષણ રાજ્યમંત્રી પંકજ ભોયરે આ ભાગીદારીને આવકારતા કહ્યું હતું કે, આનાથી પછાત અને ગ્રામીણ વિસ્તારોના શિક્ષકો પણ વિશ્વ કક્ષાની ડિજિટલ તાલીમ મેળવી શકશે. શિક્ષકોને ભાષાની કોઈ નડતર ન થાય તે માટે ગૂગલ દ્વારા આ તાલીમ સામગ્રી પ્રાદેશિક ભાષા મરાઠી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ આખી યોજના ભારત સરકારની 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦' ના ડિજિટલ લર્નિંગના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવામાં માઇલસ્ટોન સાબિત થશે.

(8:43 PM IST)