<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: રાજ્યમાં વકરેલા દુષ્કાળ અને ભારે જળસંકટને પહોંચી વળવા માટે બનાવાઈ 'હાઈ-પાવર કેબિનેટ કમિટી'

મુખ્ય પ્રધાનની સૂચનાથી મહેસૂલ પ્રધાનની અધ્યક્ષતામાં ૯ કેબિનેટ મંત્રીઓની ખાસ સમિતિ ગઠિત; પાકના નુકસાનીના પંચનામા, પીવાના પાણી અને ઘાસચારાની વ્યવસ્થા પર દર અઠવાડિયે લેવાશે નિર્ણય.

મુંબઈ : રાજ્યમાં સર્જાયેલી દુષ્કાળજન્ય પરિસ્થિતિ, પીવાના પાણીની ભારે તંગી અને પશુઓ માટે ઘાસચારાના સંકટ સામે લડવા મહારાષ્ટ્ર સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ કુદરતી આપત્તિને પહોંચી વળવા અને તાકીદે રાહત કાર્યો હાથ ધરવા માટે ખાસ પ્રધાનમંડળની પેટા સમિતિ (હાઈ-પાવર સબ-કમિટી) ની રચના કરી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ખાસ સૂચના બાદ મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેની અધ્યક્ષતામાં આ શક્તિશાળી સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં ૯ પ્રમુખ કેબિનેટ મંત્રીઓ અને રાજ્યના મુખ્ય સચિવનો સમાવેશ કરાયો છે.

 

રાજ્ય પ્રધાનમંડળની બેઠક બાદ આપત્તિ વ્યવસ્થાપન, મદદ અને પુનર્વસન વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ (GR) જારી કરવામાં આવ્યો હતો. આ ઉપસમિતિમાં જળસંપદા પ્રધાન ગિરીશ મહાજન, પાણી પુરવઠા પ્રધાન ગુલાબરાવ પાટીલ, જળ સંવર્ધન પ્રધાન સંજય રાઠોડ, પશુસંવર્ધન અને પર્યાવરણ પ્રધાન પંકજા મુંડે, કૃષિ પ્રધાન દત્તાત્રય ભરણે, ગ્રામ વિકાસ પ્રધાન જયકુમાર ગોરે, પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક, પુનર્વસન પ્રધાન મકરંદ પાટીલ અને સહકાર પ્રધાન બાબાસાહેબ પાટીલને સ્થાન આપવામાં આવ્યું છે.

 

આ નવરચના પામેલી કેબિનેટ સમિતિ દર અઠવાડિયે સમીક્ષા બેઠક યોજશે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ પાણીના જથ્થા તથા ઘાસચારાની પરિસ્થિતિનો અહેવાલ મેળવશે. મંત્રીઓ પોતે પણ અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ખેડૂતો અને ગ્રામજનોની પરિસ્થિતિની સમીક્ષા કરશે. ખેતરોમાં સુકાઈ ગયેલા પાકના નુકસાનીના પંચનામાની ઝડપી તપાસ કરીને પીડિત ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે આ સમિતિ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનોને ભલામણ કરશે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામીણ વિસ્તારોને તાત્કાલિક સરકારી સહાય મળી રહે.

 

(8:11 PM IST)