<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

મુંબઈમાં ટેક્સી અને ઓટો-રિક્ષા ચાલકો માટે મરાઠી ભાષા ફરજિયાતના નિર્ણય પર મહારાષ્ટ્ર સરકારે હાલ બ્રેક લગાવી

મુંબઈમાં કામ કરતા હજારો પરપ્રાંતીય ડ્રાઈવરોએ રાહતનો શ્વાસ લીધો: મહત્ત્વની બેઠક બાદ લેવાયેલા નિર્ણય મુજબ, 1 મેથી મરાઠી બોલવાની અનિવાર્યતાનો નિયમ લાગુ કરવામાં આવશે નહીં.

મુંબઈમાં ટેક્સી અને ઓટો-રિક્ષા ચાલકો માટે મરાઠી ભાષા ફરજિયાત કરવાના નિર્ણય પર મહારાષ્ટ્ર સરકારે હાલ પૂરતી બ્રેક લગાવી દીધી છે. ટ્રાન્સપોર્ટ વિભાગની મહત્ત્વની બેઠક બાદ લેવાયેલા આ નિર્ણય મુજબ, 1 મેથી મરાઠી બોલવાની અનિવાર્યતાનો નિયમ લાગુ કરવામાં આવશે નહીં. આ જાહેરાતથી મુંબઈમાં કામ કરતા હજારો પરપ્રાંતીય ડ્રાઈવરોએ રાહતનો શ્વાસ લીધો છે, જેઓ દંડ અને પરમિટ રદ થવાના ડર નીચે જીવી રહ્યા હતા. સરકારના આ વલણ પાછળ રિક્ષા સંગઠનોનો વિરોધ અને વ્યાવહારિક મુશ્કેલીઓ મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે.

અગાઉના આદેશ મુજબ, મહારાષ્ટ્ર દિવસ એટલે કે 1 મેથી તમામ રિક્ષા અને ટેક્સી ચાલકો માટે મરાઠી ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. જોકે, મંત્રાલયમાં મળેલી બેઠકમાં પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં કોઈ પણ ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કોઈ ડ્રાઈવરને મરાઠી બોલતા નથી આવડતું, તો તેની પરમિટ કે લાયસન્સ રદ કરવાની અફવાઓ પર પણ સરકારે પૂર્ણવિરામ મૂકી દીધું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર હવે ડ્રાઈવરોને 15 ઓગસ્ટ સુધીનો સમય આપી શકે છે. આ સમયગાળા દરમિયાન ડ્રાઈવરોએ મરાઠીની સામાન્ય બોલચાલ શીખવી પડશે. સરકારનો ઉદ્દેશ્ય મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવાનો છે, પરંતુ તે ડ્રાઈવરો પર આકસ્મિક બોજ નાખવા માંગતી નથી. પરિવહન મંત્રીએ સંકેત આપ્યો છે કે મહારાષ્ટ્રમાં સેવા આપતા લોકોએ સ્થાનિક ભાષા જાણવી જરૂરી છે, પરંતુ તેના અમલીકરણ માટે સંતુલિત અભિગમ અપનાવવો અનિવાર્ય છે.

મહારાષ્ટ્ર સરકાર હવે ડ્રાઈવરો માટે મરાઠી શીખવાનો એક ખાસ અભ્યાસક્રમ તૈયાર કરી રહી છે. આમાં ડ્રાઈવરોએ મરાઠીમાં લખતા કે વાંચતા શીખવાની જરૂર નથી, પરંતુ ગ્રાહકો સાથે સામાન્ય વાતચીત કરી શકે તેટલું જ્ઞાન મેળવવાનું રહેશે. 'મુંબઈ મરાઠી સાહિત્ય સંઘ' અને 'કોંકણ મરાઠી સાહિત્ય પરિષદ' જેવી સંસ્થાઓએ રાજ્યભરમાં ડ્રાઈવરોને ભાષા શીખવવાની જવાબદારી લીધી છે. વિવિધ વિસ્તારોમાં ટ્રેનિંગ સેન્ટરો ખોલીને ડ્રાઈવરોને તાલીમ આપવામાં આવશે.

આ નિર્ણય પાછળ ડ્રાઈવર સંગઠનોનો ભારે દબાવ પણ કામ કરી રહ્યો છે. અનેક સંગઠનોએ હડતાળની ચીમકી આપી હતી, જેના કારણે જનજીવન પ્રભાવિત થવાની શક્યતા હતી. બીજી તરફ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકર્તાઓ પહેલેથી જ મેદાનમાં ઉતરી આવ્યા છે. તેઓ એવી રિક્ષા પર સ્ટીકરો લગાવી રહ્યા છે જેમના ચાલકો મરાઠી ભાષા જાણે છે. સરકાર હવે એવું મધ્યમ માર્ગ શોધી રહી છે જેથી ભાષાનું સન્માન પણ જળવાય અને કોઈ પણ સામાન્ય શ્રમજીવીની રોજીરોટી પર સંકટ ન આવે.

(7:59 PM IST)