તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
મહારાષ્ટ્ર પૂરની થપાટ: રાયગઢમાં અબોલ જીવોને બચાવવા મોટું ‘રેસ્ક્યુ મિશન’; ૫૦૦૦ થી વધુ પશુઓ માટે ૫૫ ટન ઇમરજન્સી ચારા સાથે સંસ્થાઓ મેદાને!
સાવિત્રી નદીના કાંઠે આવેલા મહાડ સહિતના ગામોમાં પૂરના કારણે ઘાસચારો તણાયો; ‘હ્યુમન વર્લ્ડ ફોર એનિમલ્સ ઇન્ડિયા’ અને ‘સહયોગ ફાઉન્ડેશન’ દ્વારા અબોલ જીવો માટે મેડિકલ કેમ્પ અને ઇમરજન્સી ફૂડ સપ્લાય શરૂ

મુંબઈ : મહારાષ્ટ્રમાં કુદરતી આફત સમાન વિનાશક પૂરના કારણે માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ હજારો અબોલ જીવો અને પાલતુ પ્રાણીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પૂરના પાણીમાં ફસાયેલા અને ભૂખ તરસથી ટળવળતા આ અબોલ જીવોની વહારે આવવા માટે એક મોટી આંતરરાષ્ટ્રીય પ્રાણી કલ્યાણ સંસ્થા અને સ્થાનિક બિન-સરકારી સંસ્થા (NGO) એ હાથ મિલાવ્યા છે. સાવિત્રી નદીના કિનારે આવેલા રાયગઢ જિલ્લાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં અંદાજે ૫,૦૦૦ થી વધુ પશુઓ અને સાથી પ્રાણીઓ (Pets) ને બચાવવા માટે યુદ્ધના ધોરણે ‘કટોકટી રાહત કામગીરી’ શરૂ કરવામાં આવી છે.
નવી મુંબઈ સ્થિત ‘સહયોગ ફાઉન્ડેશન’ સાથે મળીને ‘હ્યુમન વર્લ્ડ ફોર એનિમલ્સ ઇન્ડિયા’ (HWAI) ની સ્પેશિયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પૂર પ્રભાવિત વિસ્તારોમાં પહોંચીને જરૂરિયાતોનું મૂલ્યાંકન કરી રહી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયેલા રાયગઢના મહાડ, બિરવાડી અને ગોંડલે જેવા ગામોને પ્રાથમિકતા આપીને ત્યાં તાત્કાલિક ધોરણે પશુ આહાર પહોંચાડવાનું શરૂ કરી દેવાયું છે.
આગામી ૨ દિવસમાં ૫૫ ટન પશુ આહારનું વિતરણ અને મેડિકલ કેમ્પ
આગામી ૪૮ કલાકની અંદર પૂરગ્રસ્ત સમુદાયોમાં અંદાજે ૫૫ ટન જેટલો ઇમરજન્સી પશુ આહાર અને લીલો-સૂકો ઘાસચારો વિતરણ કરવાનું ભગીરથ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ રાહત કાર્ય માત્ર ખોરાક પૂરો પાડવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ પૂરના ગંદા પાણીના કારણે પશુઓમાં ફેલાતા જીવલેણ રોગોને રોકવા માટે નિષ્ણાત પશુચિકિત્સકો (Veterinarians) દ્વારા સ્થળ પર જ દવાઓ અને ઇમરજન્સી સારવાર પણ આપવામાં આવી રહી છે.
"પરિસ્થિતિ અત્યન્ટ ગંભીર છે" - પ્રવીણ સુરેશ (મેનેજર, HWAI)
સંસ્થાના ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમના મેનેજર પ્રવીણ સુરેશે પાયાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "પૂરના કારણે નાના અને સીમાંત ખેડૂતોએ પોતાના ઘરમાં સંગ્રહિત કરેલો આખા વર્ષનો ઘાસચારો ગુમાવી દીધો છે. પશુઓ ભૂખ્યા ન મરે તે માટે ખેડૂતો તેમને ટેકરીઓ પર ચરવા મોકલવા મજબૂર બન્યા છે. આવા સમયે જો પશુઓને તાત્કાલિક રસીકરણ અને તબીબી સહાય નહીં મળે, તો મોટો રોગચાળો ફાટી નીકળવાનો ડર છે. અમારી ટીમ દરેક મુશ્કેલ સ્થળે પહોંચવા સ્થાનિક તંત્રની મદદ લઈ રહી છે."
વૈશ્વિક સ્તરે અબોલ જીવોની ઢાલ બનતી સંસ્થા
નોંધનીય છે કે, ‘હ્યુમન વર્લ્ડ ફોર એનિમલ્સ’ સંસ્થા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે આપત્તિઓ સમયે પ્રાણીઓની રક્ષા માટે જાણીતી છે. ભૂતકાળમાં આ ટીમે ગ્વાટેમાલામાં જ્વાળામુખી, નેપાળ, તુર્કી અને મેક્સિકોના વિનાશક ભૂકંપ, તેમજ ઓસ્ટ્રેલિયાની જંગલી આગ (Bushfires) વખતે અને યુક્રેન યુદ્ધ દરમિયાન પણ હજારો પાલતુ પ્રાણીઓનો જીવ બચાવ્યો હતો. ભારતમાં છેલ્લા ૭ વર્ષથી કેરળમાં પૂર અને ભૂસ્ખલન જેવી આપત્તિઓ સામે લડવા આ સંસ્થા સ્થાનિક લોકોને ખાસ તાલીમ આપીને સજ્જ કરી રહી છે, જેથી મુશ્કેલ સમયમાં માનવ અને પ્રાણી બંનેના જીવ બચાવી શકાય.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
