તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
ખાદ્ય સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાડતા ૧૧ સ્ટોર્સના લાઇસન્સ રદ: મહારાષ્ટ્ર FDA ની લાલ આંખ, બે ડોમિનોઝ પિઝા આઉટલેટ પણ ઝપેટમાં
રાજ્યવ્યાપી દરોડા દરમિયાન ₹૫૪.૬૬ લાખની કિંમતનો ૩૮ ટન અખાદ્ય જથ્થો જપ્ત: ગંદા રસોડા અને કાટ લાગેલા વાસણો વચ્ચે પીરસાઈ રહ્યો હતો ખોરાક

મુંબઈ : મહારાષ્ટ્રમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના આરોગ્ય સાથે ચાલતા ખેલ સામે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી કરી છે. રાજ્યમાં ખાદ્ય સુરક્ષાના કડક નિયમોના ઉલ્લંઘન બદલ વિભાગે બે જાણીતા ડોમિનોઝ પિઝા આઉટલેટ સહિત કુલ ૧૧ ખાદ્ય સ્થાપનાઓના લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પાડેલા દરોડા દરમિયાન ₹૫૪.૬૬ લાખની કિંમતનો આશરે ૩૮ ટન શંકાસ્પદ અને ખરાબ ખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
FDA દ્વારા ૨૧ અને ૨૨ ઓક્ટોબરના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સઘન નિરીક્ષણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અનેક હોટલો, બેકરીઓ અને આઉટલેટ્સમાં સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. રસોડા અને ડ્રેનેજ સિસ્ટમ અત્યંત ગંદી હાલતમાં હતા, વાસણો અને સંગ્રહના રેક કાટ લાગેલા હતા, તેમજ તાજી બ્રેડ સાથે પરત આવેલી જૂની બ્રેડનું મિશ્રણ કરવામાં આવતું હતું.
આ ઉપરાંત કર્મચારીઓ પાસે આવશ્યક મેડિકલ સર્ટિફિકેટ ન હોવાનું અને તાપમાન જાળવણીના રેકોર્ડ અધૂરા હોવાનું સામે આવ્યું હતું. કેટલાંક સ્થળોએ મીઠાઈઓમાં ગેરકાયદેસર અને અમાન્ય રંગોનો વપરાશ થતો હોવાનું પણ ઝડપાયું હતું.
FDA એ મુંબઈની નવ સ્થાપનાઓ સામે કાર્યવાહી કરતા ભાંડુપ પશ્ચિમ સ્થિત ડોમિનોઝ પિઝા આઉટલેટ, મઝગાંવની SK બેકરી, ગ્રાન્ટ રોડની નેકઝાદ રેસ્ટોરન્ટ, બાંદ્રા પશ્ચિમની ફૂડીઝ મલ્ટી-ક્યુઝિન, જોગેશ્વરી પશ્ચિમની અરેબિયન લુકમા, કુર્લા પશ્ચિમની દિલ્હી ઝાયક, ઘાટકોપર પશ્ચિમના R સિટી મોલ સ્થિત U-Me અને ગોવંડીની બિકગેન બિરયાનીના લાઇસન્સ મોકૂફ રાખ્યા છે. આ સિવાય બીડ સ્થિત ડોમિનોઝ પિઝા આઉટલેટ અને પરભણીના રહેમત નગર સ્થિત KK બેકર્સ સામે પણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
નિરીક્ષણ દરમિયાન સૌથી વધુ જપ્તી કોંકણ વિભાગમાંથી થઈ છે. નવી મુંબઈમાં RDC એગ્રો વેન્ચર પ્રાઇવેટ લિમિટેડમાંથી ₹૫૦.૦૫ લાખની કિંમતનો ૩૩,૨૮૬ કિલો નબળી ગુણવત્તાનો અને ખોટા લેબલ વાળો રાજમા તથા કઠોળનો જથ્થો જપ્ત કરાયો હતો.
નાસિક ડિવિઝનમાંથી ₹૧.૭૦ લાખની કિંમતનો ૪૮૩.૪ કિલો રિફાઇન્ડ સોયાબીન તેલ, માખણ, ઘી અને સેવ-પાપડીનો જથ્થો પકડાયો હતો, જ્યાં લેબોરેટરી અને ટેકનિકલ સ્ટાફનો અભાવ હતો. આ ઉપરાંત છત્રપતિ સંભાજીનગર ડિવિઝનમાં ઔરંગાબાદ કોલ્ડ સ્ટોરેજમાંથી ₹૨.૯૧ લાખની કિંમતનો ૪,૨૨૨ કિલો ગોળ અને વરિયાળીનો જથ્થો સીઝ કરાયો હતો. મહારાષ્ટ્રમાં કુલ ૩૭,૯૯૧.૪ કિલો ખાદ્ય સામગ્રી જપ્ત કરી FDA એ તમામ વેપારીઓને કડક ચેતવણી આપી છે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
