<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો ‘બુલેટ’ અવતાર: પીએમ મોદીની અપીલ માન્ય રાખી દેવેન્દ્ર ફડણવીસ મોટરકાફલો છોડી બાઇક પર વિધાન ભવન પહોંચ્યા

મંત્રીઓના કાફલામાં કાપ, વિદેશ પ્રવાસો રદ અને સરકારી કાર્યક્રમો પર બ્રેક: ઇંધણ અને ખર્ચ બચાવવા ફડણવીસ સરકારનો મોટો એક્શન પ્લાન

મુંબઈ, તા. ૧૪: મહારાષ્ટ્રના રાજકારણમાં આજે એક અનોખો અને પ્રેરણાદાયી નજારો જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના જનપ્રતિનિધિઓને સાદગી અપનાવવા અને ઇંધણ તેમજ સરકારી નાણાંની બચત કરવા કરેલી અપીલની સીધી અસર મુંબઈના રસ્તાઓ પર જોવા મળી. સામાન્ય રીતે સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત અને લક્ઝરી ગાડીઓના લાંબા કાફલા સાથે ફરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે અચાનક 'રોયલ એનફિલ્ડ બુલેટ' પર સવાર થઈને વિધાન ભવન પહોંચતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
 
કાફલો ટૂંકો થશે, બિનજરૂરી ખર્ચ પર લાગશે કાતર
વિધાન ભવન પહોંચ્યા બાદ મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરતા રાજ્યના ખર્ચમાં કાપ મૂકવા માટેના કડક નિર્ણયોની જાહેરાત કરી હતી. ફડણવીસે જણાવ્યું કે, હવેથી મંત્રીઓના કાફલામાં વાહનોની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, રાજ્યના તમામ સરકારી વિભાગોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અને બિનજરૂરી બજેટરી ખર્ચ પર તાત્કાલિક કાપ મૂકવા સૂચના આપી દેવાઈ છે. વહીવટી તંત્રમાં કરકસર લાવવા માટે તમામ બિન-આવશ્યક વિદેશ પ્રવાસો પણ રદ કરી દેવામાં આવ્યા છે.
 
આગામી ૬ મહિના સુધી મોટા સરકારી કાર્યક્રમો પર પ્રતિબંધ
મુખ્યમંત્રીએ સાદગીના અભિયાનને વેગ આપતા એક મહત્વપૂર્ણ નીતિવિષયક નિર્ણયની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, "આગામી ૬ મહિના સુધી સરકાર કોઈ મોટા ભવ્ય સત્તાવાર કાર્યક્રમો યોજશે નહીં. સતારામાં યોજાનારો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છેલ્લો મોટો મેળાવડો હશે." આ નિર્ણય પાછળનો હેતુ સરકારી તિજોરી પર પડતો બિનજરૂરી બોજ ઘટાડવાનો છે.
 
નેતાઓની પહેલ: કોઈ બુલેટ પર તો કોઈ ‘પગપાળા’
બુલેટ રાઈડ પાછળનો હેતુ સ્પષ્ટ કરતા ફડણવીસે કહ્યું કે, "જ્યારે અમે પોતે પહેલ કરીશું, ત્યારે જ જનતા તેને અનુસરશે. અમે નાગરિકોને ઇંધણ સંરક્ષણનો સંદેશ આપવા માંગીએ છીએ." માત્ર મુખ્યમંત્રી જ નહીં, પણ કેબિનેટ મંત્રી નિતેશ રાણેએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રાણે આજે પોતાના સરકારી બંગલેથી મંત્રાલય સુધીનો રસ્તો વાહનોના કાફલા વગર પગપાળા કાપીને કેબિનેટ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
મહારાષ્ટ્ર સરકારની આ ‘સાદગી મુહિમ’ હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે અને સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીના બુલેટ રાઈડના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

(3:13 PM IST)