<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

મહારાષ્ટ્રમાં 5 વર્ષમાં 100 અબજ ડોલરના રોકાણનું લક્ષ્ય:ત્રીજી અને ચોથી મુંબઈનો રોડમેપ તૈયાર: દેવેન્દ્ર ફડણવીસ

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના શહેરી અને આર્થિક વિકાસ માટે મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કર્યો: મુંબઈમાં આયોજિત ત્રીજા 'વર્લ્ડ મેયર્સ ફોરમ'નું ઉદ્ઘાટન કરતા તેમણે જણાવ્યું કે, શહેરો દેશના આર્થિક વિકાસના મુખ્ય એન્જિન છે અને શહેરીકરણને સમસ્યા ગણવાને બદલે વિકાસની એક મોટી તક તરીકે જોવાની જરૂર છે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના શહેરી અને આર્થિક વિકાસ માટે એક અત્યંત મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કર્યો છે. મુંબઈમાં આયોજિત ત્રીજા 'વર્લ્ડ મેયર્સ ફોરમ'નું ઉદ્ઘાટન કરતા તેમણે આગામી 5 વર્ષમાં મહારાષ્ટ્ર રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 100 અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, શહેરો દેશના આર્થિક વિકાસના મુખ્ય એન્જિન છે અને શહેરીકરણને સમસ્યા ગણવાને બદલે વિકાસની એક મોટી તક તરીકે જોવાની જરૂર છે.

દેશની કૂલ GDPમાં શહેરોનો હિસ્સો આશરે 65 ટકા જેટલો છે, જે દર્શાવે છે કે, આર્થિક પ્રગતિ માટે શહેરોનું સુઆયોજિત અને ટકાઉ વિકાસ અનિવાર્ય છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં યોગ્ય આયોજનના અભાવે અનિયંત્રિત શહેરીકરણ, ઝૂંપડપટ્ટી, પાણીની અછત અને કચરાના નિકાલ જેવી સમસ્યાઓ વધી હતી. પરંતુ 2014 બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શહેરી વિકાસને એક નવી દિશા મળી છે. આ જ વિઝનને આગળ વધારતા એકલા મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં જ 50 અબજ ડોલરના રોકાણથી 300 કિલોમીટરથી વધુનું મેટ્રો નેટવર્ક, આધુનિક રસ્તાઓ, ફ્લાયઓવર, ટનલ, પાણી પુરવઠો અને સુએઝ ટ્રીટમેન્ટ જેવા પાયાના પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.

ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર 'ત્રીજી મુંબઈ' અને 'ચોથી મુંબઈ' ના નિર્માણ પર ખાસ ભાર મૂકી રહી છે. નવી મુંબઈ એરપોર્ટની આસપાસ વિકસાવવામાં આવી રહેલી ત્રીજી મુંબઈમાં એજ્યુ-સિટી, સ્પોર્ટ્સ સિટી, મેડી-સિટી અને ઇનોવેશન સિટી જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરાશે. અહીં 1 લાખ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે 12 આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓના કેમ્પસ તૈયાર કરવાની યોજના છે, જેમાંથી ૭ યુનિવર્સિટીઓએ કામગીરી શરૂ પણ કરી દીધી છે. બીજી તરફ, વિરારથી વાઢવણ સુધીના પટ્ટામાં ચોથી મુંબઈ વિકસાવવામાં આવશે. વાઢવણ ખાતે દેશનું સૌથી મોટું બંદર બની રહ્યું છે, જે વિશ્વના ટોચના 10 બંદરોમાં સ્થાન પામશે અને તેને બુલેટ ટ્રેન તથા સુપર એક્સપ્રેસવે દ્વારા મુંબઈ સાથે જોડવામાં આવશે.

કનેક્ટિવિટી અને પુનર્વિકાસ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે 22 કિલોમીટર લાંબા અટલ સેતુને કારણે મુંબઈ અને નવી મુંબઈ એરપોર્ટ વચ્ચેનું અંતર ઘટીને 40 મિનિટનું થઈ ગયું છે, જે આગામી વર્ષે ઘટીને માત્ર ૩૦ મિનિટ થઈ જશે. રાજ્યમાં મુંબઈ, પુણે, નાગપુર, નાસિક અને છત્રપતિ સંભાજીનગર જેવા શહેરોના પુનર્વિકાસની સાથે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર પણ ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. ધારાવીના રહેવાસીઓને તમામ સુવિધાઓથી સજ્જ સન્માનજનક ઘરો આપવાની સાથે, આગામી 10 વર્ષમાં ધારાવીને BKCની જેમ મુંબઈના એક નવા અને મહત્વપૂર્ણ બિઝનેસ હબ તરીકે વિકસાવવાનું લક્ષ્ય છે.

અંતમાં, ફડણવીસે વિશ્વભરમાંથી આવેલા મેયરોને સંબોધતા કહ્યું કે, શહેરી વિકાસ માટે માત્ર મોટું ભંડોળ પૂરતું નથી, પરંતુ મજબૂત ઈચ્છાશક્તિ, સ્પષ્ટ લક્ષ્ય અને વ્યવહારુ પ્રોજેક્ટ્સની જરૂર હોય છે. તેમણે ઈન્દોર, અમદાવાદ અને મુંબઈના સફળ મોડેલોમાંથી પ્રેરણા લેવાની સલાહ આપતા ઉમેર્યું કે મેયર અને નગરસેવકો જનતા પ્રત્યે સૌથી પ્રથમ જવાબદાર જનપ્રતિનિધિઓ છે. હવે સરકાર સામે આ તમામ મહત્વાકાંક્ષી યોજનાઓને નિર્ધારિત સમયમર્યાદામાં જમીન પર ઉતારવાનો મોટો પડકાર રહેશે.

(1:12 AM IST)