<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

મહાનવમી પર સીએમ યોગી આદિત્યનાથે કરી માં સિદ્ધિદાત્રીની આરાધના: 'સંકલ્પથી સિદ્ધિ' સુધીની યાત્રા સાથે રજૂ કરી 'વિકસિત ઉત્તર પ્રદેશ'ની ભવ્ય તસવીર

૨૦૧૭ પહેલાના અરાજકતાના યુગને યાદ કરી વિપક્ષ પર આકરા પ્રહાર; ડબલ એન્જિન સરકારમાં જીએસડીપી, માથાદીઠ આવક અને બજેટમાં ૩ ગણા વધારા સાથે યુવાનો માટે રોજગારીની તકોનો ધમાકો

લખનઉ : શારદીય નવરાત્રિના પવિત્ર મહાનવમી પર્વે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માં સિદ્ધિદાત્રીની પૂજા-અર્ચના કરી સમગ્ર રાજ્યની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ મંગળ પ્રસંગે રાજ્યવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર 'સંકલ્પથી સિદ્ધિ' સુધીની ઉત્તર પ્રદેશની અભૂતપૂર્વ વિકાસયાત્રાનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માં સિદ્ધિદાત્રીના આશીર્વાદથી રાજ્યની નારી શક્તિ આજે આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે ઉત્તર પ્રદેશને દેશના અર્થતંત્રનું 'ગ્રોથ એન્જિન' બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે.

 

ભૂતકાળની સરકારો પર આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭ પહેલાં રાજ્યમાં ગુંડાઓ, માફિયાઓ અને ઉપદ્રવી તત્વો સમાંતર સરકાર ચલાવતા હતા, જેના કારણે વિકાસ પર ગ્રહણ લાગી ગયું હતું. ધાર્મિક તહેવારો પહેલાં અશાંતિ ફેલાતી હતી અને માતા-પિતા પોતાની દીકરીઓની સુરક્ષા માટે તેમને રાજ્ય બહાર મોકલવા મજબૂર હતા. પરંતુ ૨૦૧૭ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 'ડબલ-એન્જિન' સરકારે ગુના અને ગુનેગારો સામે 'ઝીરો-ટોલરન્સ'ની નીતિ અપનાવીને રાજ્યને દંગામુક્ત બનાવી ઉત્સવોની ભૂમિ તરીકે સ્થાપિત કર્યું છે.

 

છેલ્લા સાડા નવ વર્ષની આર્થિક અને ઔદ્યોગિક સિદ્ધિઓનો હિસાબ આપતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉમેર્યું કે રાજ્યની જીએસડીપી (GSDP), માથાદીઠ આવક અને બજેટમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. ઉત્તર પ્રદેશને રૂ. ૫૦ લાખ કરોડથી વધુના રોકાણ પ્રસ્તાવો મળ્યા છે અને મોટા કારખાનાઓની સંખ્યા ૧૪,૦૦૦ થી વધીને ૩૫,૦૦૦ થઈ છે, જેનાથી ૬૫ લાખ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી મળી છે. આ ઉપરાંત દેશના કુલ એક્સપ્રેસવે નેટવર્કમાં હવે ઉત્તર પ્રદેશ એકલું ૬૦ ટકા હિસ્સો ધરાવે છે અને 'ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર' દ્વારા દેશને સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવી રહ્યું છે.

 

રાજ્યમાં સરકારી ભરતીઓ અને MSME ક્ષેત્રની ક્રાંતિ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે પારદર્શક પ્રક્રિયા દ્વારા યુવાનોને સાડા નવ લાખ સરકારી નોકરીઓ આપવામાં આવી છે. સ્ટાર્ટઅપ્સની સંખ્યા ૧૨૦ થી વધીને ૨૪,૦૦૦ ને પાર પહોંચી છે, જ્યારે એમએસએમઈ (MSME) ક્ષેત્ર દ્વારા ૩ કરોડથી વધુ રોજગારીની તકોનું સર્જન થયું છે. સીએમ યોગી આદિત્યનાથે પુનરોચ્ચાર કર્યો કે 'સશક્ત મહિલા, સમૃદ્ધ ઉત્તર પ્રદેશ'ના સંકલ્પ સાથે તેમની સરકાર 'વિકસિત ભારત, વિકસિત ઉત્તરપ્રદેશ'ના લક્ષ્યને સાકાર કરવા પૂર્ણ નિષ્ઠાથી આગળ વધી રહી છે.

(7:12 PM IST)