<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

AI અને ક્લાઉડ ક્ષેત્રે 'મહામંથન': ટેક ઉદ્યોગમાં છટણીનો મોટો આંચકો : વિશ્વભરમાં ૧.૨૯ લાખથી વધુ કર્મચારીઓની રજા!

Uber, Apple, PayPal અને Oracle જેવી વૈશ્વિક ટેક જાયન્ટ્સમાં ભારે હોબાળો : નોકરીઓ ઘટાડીને AI અને આધુનિક ટેકનોલોજી તરફ રોકાણ ડાયવર્ટ કરવાનો ખેલ!

નવી દિલ્હી : વિશ્વભરના ટેક જોબ માર્કેટમાં હાલ ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. AI અને ક્લાઉડ ટેકનોલોજીમાં વધતા રોકાણ તથા કંપનીઓના આંતરિક પુનર્ગઠનના નામે ટેક ક્ષેત્રમાં મોટો તોફાની ફટકો પડ્યો છે. વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે ૨૯૬ જેટલી ટેક કંપનીઓમાંથી ૧,૨૯,૪૮૮થી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. એપલ (Apple), ઉબેર (Uber), પેપાલ (PayPal) અને ઓરેકલ (Oracle) જેવી અગ્રણી દિગ્ગજ કંપનીઓએ પોતાના ખર્ચ પર કાપ મૂકવા તથા નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હજારો કર્મચારીઓની છટણી લાગુ કરી છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, સફરજન ઉત્પાદક અને વિશ્વપ્રસિદ્ધ ટેક જાયન્ટ એપલે તાજેતરમાં તેના સિરી (Siri), વિઝન પ્રો (Vision Pro) અને સોફ્ટવેર વિભાગમાંથી ૨૦૦થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા છે. આમાં લગભગ ૧૦૦ કર્મચારીઓ વિઝન પ્રો ઓર્ગેનાઈઝેશનમાંથી અને અન્ય ૧૦૦ કર્મચારીઓ સિરી તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સુવિધાઓ ડેવલપ કરતી 'ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ એક્સપિરિયન્સ' ટીમમાંથી દૂર કરાયા છે.

એપલે સ્વીકાર્યું છે કે આ ટીમ રિસ્ટ્રક્ચરિંગનો એક ભાગ છે. કંપની વિઝન પ્રો માટે તેનો ગેમિંગ વિભાગ બંધ કરી રહી છે અને ઇમર્સિવ વિડિયો પ્રોડક્શન ઘટાડી રહી છે. જ્યારે સિરીને એક નવતર AI આર્કિટેક્ચર પર આધારિત બનાવવામાં આવી રહી હોવાથી નવી કાર્યક્ષમતાવાળા નિષ્ણાતોની જરૂરિયાત ઊભી થઈ છે.

રાઈડ-હેઈલિંગ કંપની ઉબેરે સપ્ટેમ્બરના પ્રારંભમાં જ પોતાના વર્કફોર્સમાંથી આશરે ૧૦% એટલે કે ૩,૩૦૦ જેટલા કર્મચારીઓની કાપછાંટની ઘોષણા કરી છે. કોવિડ-૧૯ મહામારી બાદ ઉબેર દ્વારા કરવામાં આવેલી આ સૌથી મોટી છટણી છે.

CEO દારા ખોસરોવશાહીએ આંતરિક મેમોમાં જણાવ્યા મુજબ, મેનેજમેન્ટની વધારાની લેયર્સ દૂર કરવા, ટીમ સ્ટ્રક્ચરને સરળ બનાવવા અને 'કોઓર્ડિનેશન' કરતાં 'બિલ્ડિંગ' પર વધુ ધ્યાન આપવા માટે આ નિર્ણય લેવાયો છે. છટણી થકી બચાવવામાં આવેલો ફંડ ડ્રાઈવરલેસ/સ્વાયત્ત વાહનો અને AI ટેકનોલોજીના રોકાણમાં વાપરવામાં આવશે.

ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ પેપાલે પોતાના વૈશ્વિક પુનર્ગઠન હેઠળ ભારતમાં પણ કર્મચારી ઘટાડ્યા છે. શરૂઆતમાં ૬૦૦ કર્મચારીઓની છટણીના અહેવાલો આવ્યા હતા, પરંતુ પેપાલે સ્પષ્ટતા કરી છે કે ૩૧ ઓગસ્ટ સુધીમાં ભારતની ટીમના ૨૨૦ કર્મચારીઓ (લગભગ ૪%) આ નિર્ણયથી અસરગ્રસ્ત થયા છે. કંપની અનુસાર, આ પગલું વૈશ્વિક કામગીરીને વધુ સરળ અને લાંબા ગાળાના વિકાસને સપોર્ટ આપવા માટે ભરાયેલું એક બહુ-વર્ષીય પરિવર્તનનો ભાગ છે.


સોફ્ટવેર અને ક્લાઉડ ક્ષેત્રની જાયન્ટ કંપની ઓરેકલમાં છટણીના વધુ એક મોટા રાઉન્ડની શક્યતાઓ સેવાઈ રહી છે. 'બિઝનેસ ઇનસાઇડર' અને અન્ય આંતરિક અહેવાલો મુજબ, ઓરેકલ વૈશ્વિક સ્તરે ૭,૦૦૦ થી ૧૦,૦૦૦ કર્મચારીઓની છટણી કરી શકે છે.

અગાઉ મે ૨૦૨૬માં પૂરા થયેલા ૧૨ મહિનામાં જ ઓરેકલે પોતાના વૈશ્વિક કાર્યબળમાંથી આશરે ૨૧,૦૦૦ કર્મચારીઓ ઘટાડીને કુલ વર્કફોર્સ ૧,૪૧,૦૦૦ સુધી સીમિત કર્યો હતો. હાલ ઓરેકલ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI પર મોટા પાયે ખર્ચ કરી રહ્યું છે, જેના લીધે અન્ય બિન-જરૂરી ખર્ચ નિયંત્રિત કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

(6:41 PM IST)