News of Monday, 3rd August 2026
મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા રિછારિયા ફરી ચર્ચામાં: વિવાદિત નિવેદન બાદ સંત સમાજ લાલઘૂમ
હિંદુસ્તાનમાં કોઈપણ સંતનો આશ્રમ સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી અને તે ત્યારે જ કોઈ આશ્રમમાં રહેશે, જ્યારે તેને સુરક્ષાની ગેરન્ટી મળશે

નવી દિલ્હી તા.૩: અભિનેત્રીમાંથી સાધ્વી બનેલી હર્ષા રિછારિયાના એક નિવેદનના લીધે નવો વિવાદ વકર્યો છે. હર્ષા રિછારિયાએ હાલમાં જ નિવેદન આપ્યું હતું કે, હિદુસ્તાનમાં કોઈપણ સંતનો આશ્રમ સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી અને તે ત્યારે જ કોઈ આશ્રમમાં રહેશે, જ્યારે તેને સુરક્ષાની ગેરન્ટી મળશે. તેના આ નિવેદન પર બ્રજના સંત સમાજે નારાજગી વ્યક્ત કરી છે. સંતોનું કહેવું છે કે, કોઈ એક-બે ઘટનાઓના આધારે આખા સંત સમાજ અને આશ્રમ પરંપરા પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી.
આ મામલે શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ ફલાહારી મહારાજે હર્ષા રિછારિયાના નિવેદનની ટીકા કરતા કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણીથી આખા સંત સમાજની છબીને નુકસાન પહોંચે છે. તેઓએ કહ્યું કે, દેશભરમાં હજારો સંત સમાજ સેવા, ધર્મ પ્રચાર અને આધ્યાત્મિક જાગરણનું કાર્ય કરી રહ્યો છે. એવામાં કેટલીક ઘટનાઓના આધાર પર તમામ સંતો અને આશ્રમો પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી.
દિનેશ ફલાહારી મહારાજે કહ્યું કે કોઈપણ જાહેર નિવેદન આપતા પહેલાં તેના વ્યાપક પ્રભાવ વિશે વિચારવું જોઈએ. તેમના મતે સંત પરંપરા સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને સનાતન મૂલ્યોની વહનકર્તા રહી છે, તેથી તેના વિશે આ પ્રકારની ટિપ્પણી કરવી યોગ્ય નથી. બીજી તરફ મહંત રામદાસ મહારાજે પણ હર્ષા રિછારિયાના કથિત નિવેદન પર વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે તમામ સાધુ-સંતોને એક જ લ્લષ્ટિકોણથી જોવા યોગ્ય નથી. તેમના જણાવ્યા મુજબ દેશના મોટા ભાગના આશ્રમો ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓના કેન્દ્રો છે, જ્યાં સંત સમાજ જનસેવા અને ધર્મના પ્રચાર-પ્રસાર માટે સતત કાર્યરત રહે છે.
સંત સમાજનું કહેવું છે કે જો ક્યાંય કોઈ અપ્રિય ઘટના બની હોય તો તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, પરંતુ તેના આધારે સમગ્ર સંત સમાજને કટઘરામાં ઊભું કરવું યોગ્ય નથી. તેમણે હર્ષા રિછારિયાને આવા નિવેદનો આપવાથી બચવાની અપીલ પણ કરી છે. હાલ આ સમગ્ર વિવાદને લઈને બ્રજના સંતોની પ્રતિક્રિયાઓ સતત સામે આવી રહી છે. જોકે, સંત સમાજની આપત્તિઓ બાદ હર્ષા રિછારિયાની તરફથી અત્યાર સુધી કોઈ નવું નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
