<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

પશ્ચિમ બંગાળમાં લોકશાહીનો મહાકુંભ: વોટર લિસ્ટમાંથી નામ કપાવા છતાં 85 મુસ્લિમ બહુમતિ ધરાવતી બેઠકો પર રેકોર્ડતોડ મતદાન, વોટિંગ ટકાવારીમાં 20% સુધીનો ઉછાળો!

રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર સરેરાશ મતદાન 90% ને પાર પહોંચ્યું; મુર્શિદાબાદ, માલદા અને બીરભૂમ જેવા જિલ્લાઓમાં મતદારોમાં ભારે ઉત્સાહ, ચોંકાવનારા આંકડાથી રાજકીય પંડિતો સ્તબ્ધ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાના હજુ બાકી છે, પરંતુ મતદાનના આંકડાઓએ રાજકીય ગલિયારાઓમાં ભારે હલચલ મચાવી દીધી છે. રાજ્યના ચૂંટણી ઈતિહાસમાં પ્રથમ વખત મતદાનની ટકાવારી 90% ના આંકડાને વટાવી ગઈ છે. ખાસ કરીને જે 85 બેઠકો પર મુસ્લિમ મતદારોનો પ્રભાવ વધુ છે, ત્યાં મતદાનમાં 2 થી 20 ટકા સુધીનો જંગી વધારો નોંધાયો છે.
કયા જિલ્લાઓમાં સૌથી વધુ મતદાન?
રાજ્યના મુસ્લિમ બહુમતિ ધરાવ તા વિસ્તારોમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિગતો મુજબ નીચેના જિલ્લાઓમાં મતદાનની ટકાવારીમાં 10% થી લઈને 20% સુધીની અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાઈ છે:
•    મુર્શિદાબાદ
•    માલદા
•    ઉત્તર દિનાજપુર
•    બીરભૂમ
•    દક્ષિણ 24 પરગણા
નામ કપાવાના વિવાદ છતાં જબરદસ્ત પ્રતિસાદ
ચૂંટણી પહેલા એવી ચર્ચાઓ હતી કે અનેક લોકોના નામ મતદાર યાદીમાંથી કપાવાને કારણે મતદાન પર અસર પડશે. જોકે, તમામ આશંકાઓને ફગાવીને મતદારો મોટી સંખ્યામાં મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા. ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં થયેલું આ રેકોર્ડબ્રેક મતદાન કઈ દિશામાં જશે તે જોવું રસપ્રદ રહેશે.
ચૂંટણી પંચની કાર્યવાહી
બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન કેટલીક ગેરરીતિઓની ફરિયાદો બાદ ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે. રાજ્યના 15 બૂથો પર ફરીથી મતદાન (રી-પોલિંગ) કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસે (TMC) આ પ્રક્રિયાને બંગાળને બદનામ કરવાનું કાવતરું ગણાવીને આક્ષેપો કર્યા છે. હાલમાં તમામ પક્ષોની નજર હવે આવનારા ચૂંટણી પરિણામો પર ટકેલી છે.

(10:39 PM IST)