તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 21st July 2026
ભાજપ સામે બંગાળમાં 'મહાજંગ'ના એંધાણ: 'ઇન્ડિયા' બ્લોકને એક થવા મમતા બેનર્જીની લાગણીસભર હાકલ; બળવાખોરો પર આકરા પ્રહારો સાથે ટીએમસીના દરવાજા કાયમ માટે બંધ કર્યા
શહીદ દિવસની રેલીમાં દીદીનું શક્તિપ્રદર્શન: અહંકાર છોડી વિપક્ષોને સાથે આવવા વિનંતી કરી, તો બીજી તરફ પક્ષદ્રોહીઓને ભાજપમાં સીધા જોડાઈને ચૂંટણી લડવા ફેંક્યો ખુલ્લો પડકાર

નવી દિલ્હી, તા.૨૧: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રિમો મમતા બેનર્જીએ મંગળવારે કોલકાતાના બિરલા પ્લેનેટેરિયમ પાસે આયોજિત વાર્ષિક શહીદ દિવસની વિશાળ રેલીમાં ભાજપ સામે આરપારની લડાઈનું બ્યુગલ ફૂંક્યું છે. તેમણે પોતાના તમામ મતભેદો અને અહંકારને બાજુ પર મૂકીને પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજય રથને રોકવા માટે તમામ વિરોધ પક્ષોને 'ઇન્ડિયા' (INDIA) બ્લોકના બેનર હેઠળ એક થવા માટે ભાવુક અપીલ કરી છે.
કોંગ્રેસ કે સીપીઆઈ(એમ)નું નામ લીધા વિના મમતા બેનર્જીએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે દેશ અને રાજ્યના હિત માટે ભૂતકાળની કડવાશ ભૂલીને સાથે મળીને લડવું સમયની માંગ છે. તેમણે ગર્જના કરતા કહ્યું, "ભાજપ સામે લડવા માટે હું ઇચ્છું છું કે બંગાળમાં સૌ કોઈ એક મંચ પર આવે. મારી પાસે કોઈ અહંકાર નથી. હું અન્ય નેતાઓને પણ વિનંતી કરું છું કે તેઓ પોતાના મતભેદો ભૂલીને આ મહાસંગ્રામમાં સાથે જોડાય."
બળવાખોરો અને "દેશદ્રોહીઓ" પર મમતાનો ચામબુક
એક તરફ એકતાનો હાથ લંબાવનારા મમતા બેનર્જી પક્ષ છોડીને ગયેલા બળવાખોરો પર અત્યંત આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. ટીએમસીમાંથી છૂટા પડેલા નેતાઓને ખુલ્લેઆમ "દેશદ્રોહી" અને "ચોર" ગણાવતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે હવે તેમના માટે ટીએમસીના દરવાજા કાયમ માટે બંધ થઈ ગયા છે. તેમણે બળવાખોરોને આકરો પડકાર ફેંકતા કહ્યું, "જો તમારે ભાજપને જ ટેકો આપવો હોય, તો હિંમત હોય તો સીધા ભાજપમાં જોડાઈને ચૂંટણી લડી બતાવો! તમારા જેવા ગદ્દારો જેટલા જલ્દી જશે, હું એટલી વધુ ખુશ થઈશ. મારી પાસે ખાલી પડેલી દરેક જગ્યાઓ ભરવા માટે લાખો ઉત્સાહી યુવા કાર્યકરો અને વિદ્યાર્થીઓ તૈયાર બેઠા છે."
પક્ષમાં સમાંતર બળવો અને 'જોડિયા ફૂલ' પ્રતીક બચાવવાની લડાઈ
ટીએમસી તેના ૧૯૯૮ના સ્થાપના કાળથી લઈને અત્યાર સુધીના સૌથી મોટા સંગઠનાત્મક સંકટનો સામનો કરી રહી છે. ઋતાબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના હરીફ જૂથે મધ્ય કોલકાતાના માયો રોડ પર એક સમાંતર રેલી યોજીને મમતા કેમ્પને મોટો આંચકો આપ્યો હતો. ઘણા સાંસદો અને ધારાસભ્યો પણ આ બળવાખોર છાવણીમાં જોડાયા છે. આ પરિસ્થિતિ પર પ્રહાર કરતા મમતાએ કહ્યું કે, "ભાજપની મદદથી આ બળવાખોરો પક્ષનું 'જોડિયા ફૂલ' પ્રતીક છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ હું પક્ષની સ્થાપક-અધ્યક્ષ હોવાથી તેઓ તેમાં ક્યારેય સફળ નહીં થાય."
જિલ્લા પ્રવાસ અને ભાજપ પર ગંભીર આરોપો
પોતાનો આક્રમક રોડમેપ જાહેર કરતા મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં જ પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાઓનો ઝંઝાવાતી પ્રવાસ શરૂ કરશે. તેમણે પડકાર ફેંક્યો કે, "હું જોવા માંગુ છું કે મને રોકવાની શક્તિ કોનામાં છે!" આ સાથે જ તેમણે ભાજપ પર શહીદ દિવસનો કાર્યક્રમ અટકાવવાનો અને મંચ તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, ટીએમસીના નિષ્ઠાવાન કાર્યકરોએ આખી રાત જાગીને સ્ટેજની રક્ષા કરવી પડી હતી.
હાલમાં પશ્ચિમ બંગાળનું રાજકારણ એક નાજુક મોડ પર આવીને ઊભું રહ્યું છે, જ્યાં એક તરફ મમતા બેનર્જી પક્ષના આંતરિક બળવા સામે ઝઝૂમી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ સામે 'મહાઅભિયાન' શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
