News of Tuesday, 14th July 2026
મહાદેવ બેટિંગ એપ કેસ: કરોડોની સટ્ટાબાજીના નેટવર્કમાં એબિક્સના ચેરમેન વિકાસ ગર્ગની ધરપકડ
₹940 કરોડથી વધુની અસ્કયામતો જપ્ત કર્યા બાદ ED દ્વારા નવી દિલ્હીથી નાટકીય અટકાયત : પૂછપરછ અને ખાસ અદાલતમાં રજૂ કરવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ પર છત્તીસગઢ લઈ જવાયા

રાયપુર : EDએ દેશના સૌથી મોટા ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીના નેટવર્ક એવા 'મહાદેવ બેટિંગ એપ' સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટી સફળતા મેળવી છે. તપાસ એજન્સીએ એક હિંમતભર્યા ઓપરેશનમાં એબિક્સના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ વિકાસ ગર્ગની તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરી લીધી છે. આ હાઈ પ્રોફાઈલ ધરપકડ બાદ દિલ્હીની તીસ હજારી કોર્ટે EDને 24 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી તેમને છત્તીસગઢના રાયપુર ખાતે આવેલી ખાસ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટમાં રજૂ કરી શકાય. કેન્દ્રીય એજન્સીનું માનવું છે કે આ ગેરકાયદેસર સામ્રાજ્યના નાણાકીય વ્યવહારોના મૂળ સુધી પહોંચવા માટે તેમની કસ્ટડીમાં પૂછપરછ અત્યંત અનિવાર્ય છે.
વિકાસ ગર્ગ પર આરોપ છે કે તેમણે મહાદેવ એપ અને તેના સહયોગી પ્લેટફોર્મ 'સ્કાયએક્સચેન્જ' ના કાળા નાણાંને પોતાની કંપનીઓ દ્વારા સફેદ કરવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે સટ્ટાબાજીમાંથી મેળવેલા ગેરકાયદેસર ભંડોળને અનેક નકલી અથવા "મ્યુલ" બેંક ખાતાઓ દ્વારા ફેરવવામાં આવ્યું હતું અને ત્યારબાદ આશરે ₹940.77 કરોડની રકમ વિકાસ ગર્ગના નિયંત્રણ હેઠળની કંપનીઓમાં રોકાણ કરવામાં આવી હતી. આ ભંડોળનો ઉપયોગ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ જેવી કે વિકાસ ઇકોટેક, વિકાસ લાઇફકેર અને મુખ્યત્વે Eraaya Lifespaces Limited દ્વારા EbixCash માં 64 ટકા હિસ્સો ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. આ જ ભ્રષ્ટાચારના સંબંધમાં EDએ ગર્ગ અને તેમના પરિવારની દિલ્હી, ગોવા અને નૈનિતાલ સ્થિત 12 વૈભવી મિલકતો તેમજ અન્ય સિક્યોરિટીઝ જપ્ત કરી છે, જેનાથી આ કેસમાં અત્યાર સુધીની કુલ જપ્તી ₹3,800 કરોડ સુધી પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, મહાદેવ બેટિંગ એપ કેસ એ ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઓનલાઈન જુગાર અને સટ્ટાબાજીનો સ્કેમ છે, જેનો માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ નામના શખ્સો દુબઈ અને પશ્ચિમ એશિયાઈ દેશોમાંથી નેટવર્ક ચલાવતા હતા. આ સિન્ડિકેટ ભારતના લાખો લોકોને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા લલચાવીને દર મહિને ₹450 કરોડથી વધુની ગેરકાયદેસર કમાણી કરતું હતું, જેનો એક મોટો હિસ્સો સરકારી અધિકારીઓને લાંચ (પ્રોટેક્શન મની) તરીકે અપાતો હોવાનો પણ સીબીઆઈ (CBI) અને ઈડીનો આરોપ છે. મુખ્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર હાલમાં ઓમાનમાં ઝડપાયા બાદ તેને ભારત લાવવાની પ્રક્રિયા ચાલુ છે, ત્યારે ભારતમાં બિઝનેસ ટાયકૂન વિકાસ ગર્ગની આ ધરપકડ કોર્પોરેટ જગતમાં આ કાળા નાણાંના વિદેશી નેટવર્કને તોડવા માટેનું સૌથી મોટું અને નિર્ણાયક પગલું માનવામાં આવી રહ્યું છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
