તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
ક્યુબા અને અમેરિકાના ફ્લોરિડામાં ૬.૧ની તીવ્રતાના ભૂકંપના ભયાનક આંચકા: ડરના માર્યા લોકો રસ્તાઓ પર દોડી આવ્યા: હવાના શહેરના મકાનો ધ્રૂજી ઉઠ્યા

હવાના: ક્યુબા અને તેના આસપાસના વિસ્તારોમાં સોમવારે બપોરે ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૬.૧ નોંધાઈ છે, જેના કારણે ક્યુબાની રાજધાની હવાના સહિત અનેક વિસ્તારોમાં મકાનો અને ઇમારતો ધ્રૂજી ઉઠી હતી. આંચકા એટલા પ્રચંડ હતા કે ડરના માર્યા લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળીને ખુલ્લા રસ્તાઓ પર દોડી આવ્યા હતા.
અમેરિકન જિયોલોજિકલ સર્વેના સત્તાવાર અહેવાલ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યુબાના પશ્ચિમ કિનારેથી લગભગ ૧૦૪ કિલોમીટર દૂર અને જમીનની ૧૦ કિલોમીટર અંદર હતું.
આ ભૂકંપની અસર માત્ર ક્યુબામાં જ નહીં, પરંતુ પડોશી દેશ અમેરિકાના ફ્લોરિડા રાજ્ય (ખાસ કરીને મિયામી અને ઓર્લાન્ડો) તેમજ મેક્સિકોના કેટલાક ભાગોમાં પણ જોવા મળી હતી.
સદનસીબે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. યુએસ નેશનલ વેધર સર્વિસ અને તંત્ર દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ભૂકંપ બાદ સુનામીનો કોઈ જ ખતરો નથી, જેનાથી દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને મોટી રાહત મળી છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
