News of Sunday, 19th July 2026
મધ્ય પેરુમાં ૫.૧ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ : ૫ લોકોના મોત : ૧૦ થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
એન્ડીયન પ્રદેશના જુનિનમાં ૨૪ કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું : હોસ્પિટલો અને ઐતિહાસિક સ્મારકોને વ્યાપક નુકસાન થતાં વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી તેજ કરાઈ

લીમા, રવિવાર : મધ્ય પેરુના વિસ્તારોમાં શનિવારે મોડી રાત્રે ૫.૧ ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો છે, જેમાં ભારે તબાહીના કારણે ઓછામાં ઓછા પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને અન્ય દસ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. એન્ડીયન પ્રદેશના જુનિનમાં આવેલા ચુપાકા શહેરની નજીક જમીનથી આશરે ૨૪ કિલોમીટરની ઊંડાઈએ આ ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આ મુખ્ય આંચકો અનુભવાયાની બરાબર ૧૭ મિનિટ બાદ આ જ વિસ્તારમાં ૩.૭ ની તીવ્રતાનો આફ્ટરશોક પણ આવ્યો હતો, જોકે તેની તીવ્રતા મુખ્ય ભૂકંપ કરતાં ઘણી ઓછી હતી.
ચોંગોસ બાજો જિલ્લામાં સૌથી વધુ તબાહી અને જાનહાનિ:
સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ ભૂકંપના કારણે સૌથી વધુ નુકસાન ચોંગોસ બાજો જિલ્લામાં નોંધાયું છે, જ્યાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી મૃતકોની સત્તાવાર ઓળખ જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ભૂકંપના જોરદાર આંચકાના કારણે પ્રાદેશિક પાટનગર હુઆનકાયોની બે મોટી હોસ્પિટલોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જેમાં ડેનિયલ એલ્સીડ્સ કેરિયન હોસ્પિટલ, જ્યાં હાલમાં તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, અને એલ કાર્મેન મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનો સમાવેશ થાય છે. એલ કાર્મેન હોસ્પિટલના બાળરોગ આઈસીયુ (પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ) ની દીવાલોમાં મોટા પ્રમાણમાં તિરાડો પડી ગઈ હોવાનું સામે આવ્યું છે.
ઐતિહાસિક સ્મારકો ક્ષતિગ્રસ્ત થયા, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો:
આ કુદરતી આપત્તિમાં પેરુના કેટલાય ઐતિહાસિક સ્મારકો અને ધરોહરોને પણ ભારે નુકસાન સોસવું પડ્યું છે. ચોંગોસ આલ્ટોમાં આવેલો પ્રખ્યાત કાનિ ક્રુઝ પથ્થરનો ક્રોસ અને વર્ષો જૂના સેન્ટિયાગો ડી લિયોન કોન્વેન્ટના કેટલાક હિસ્સાઓ ભૂકંપના કારણે ધરાશાયી કે ક્ષતિગ્રસ્ત થયા છે. આ ઉપરાંત, ભૂકંપના તીવ્ર આંચકાઓને પગલે પેરુના કેટલાક પ્રાદેશિક જિલ્લાઓમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ગુલ થઈ ગયો હતો. નેશનલ ઇમરજન્સી ઓપરેશન કમિટી (COEN) ના પ્રારંભિક મૂલ્યાંકન અહેવાલ મુજબ, રાહતની વાત એ છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કના રસ્તાઓને આ આપત્તિમાં કોઈ મોટી નુકસાની પહોંચી નથી.
પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત હોવાથી પેરુમાં સતત ખતરો:
ભૂગોળની દ્રષ્ટિએ પેરુ વૈશ્વિક સ્તરે સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત ગણાતા 'પેસિફિક રિંગ ઓફ ફાયર' પર આવેલું છે, જ્યાં દુનિયાના અંદાજે ૮૫ ટકા જેટલા ભૂકંપો નોંધાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચુપાકા અને તેની આસપાસના વિસ્તારોમાં દર ૧૩ વર્ષે ૫ કે તેથી વધુ તીવ્રતાનો મોટો ભૂકંપ ત્રાટકે છે, જ્યારે જુનિન પ્રદેશમાં નાના કંપનો ખૂબ જ સામાન્ય છે. સત્તાવાળાઓએ ઉમેર્યું હતું કે ભૂકંપની ચોક્કસ આગાહી કરવી અશક્ય છે, પરંતુ સિસ્મિક મોડલ્સની મદદથી સૌથી વધુ જોખમ ધરાવતા વિસ્તારોની ઓળખ કરીને આગોતરી નુકસાની ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
