<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

PM મોદીની અપીલનો જાદુઈ પ્રભાવ: દિલ્હીના મંત્રીઓએ લક્ઝરી કાર છોડી મેટ્રોની સવારી કરી, ઈંધણ બચાવવા કપિલ મિશ્રાએ સામાન્ય મુસાફરો વચ્ચે લીધી એન્ટ્રી!

કેબિનેટ મંત્રીઓએ જાહેર પરિવહન અપનાવી ઈંધણ બચાવવાની લીધી પ્રતિજ્ઞા; સોશિયલ મીડિયા પર મંત્રીઓની સાદગીની પ્રશંસા, તો કાફલા સાથે નીકળેલા કેન્દ્રીય મંત્રીની ટીકા

નવી દિલ્હી, તા.૧૩: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા અને પર્યાવરણના જતનમાં સહભાગી થવાની જે હાકલ કરવામાં આવી હતી, તેનો જોરદાર પ્રતિસાદ હવે સત્તાના ગલિયારાઓમાં જોવા મળી રહ્યો છે. વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે વડાપ્રધાનની આ અપીલને માન આપીને દિલ્હી સરકારના મંત્રીઓએ એક નવી પહેલ શરૂ કરી છે. બુધવારે સવારે દિલ્હીના મંત્રી કપિલ મિશ્રા પોતાની સરકારી ગાડી અને વીઆઈપી પ્રોટોકોલ છોડીને સામાન્ય નાગરિકની જેમ દિલ્હી મેટ્રોમાં સફર કરતા જોવા મળ્યા હતા.
મેટ્રોમાં મુસાફરી કરી સાદગીનો સંદેશ આપ્યો
મંત્રી કપિલ મિશ્રાએ સવારે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી પોતાના કાર્યાલય પહોંચીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની આ યાત્રાના ફોટા શેર કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનના આહ્વાન બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેબિનેટના તમામ મંત્રીઓએ નિર્ણય લીધો છે કે તેઓ જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરશે. જો અત્યંત જરૂરી હોય તો જ સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ બળતણની બચત અને પ્રદૂષણમાં ઘટાડો કરવાનો છે.
આશિષ સૂદે પણ ઈ-રિક્ષા અને મેટ્રોમાં કરી સવારી
માત્ર કપિલ મિશ્રા જ નહીં, પરંતુ મંત્રી આશિષ સૂદે પણ મંગળવારથી જ આ પરિવર્તનનો પ્રારંભ કરી દીધો હતો. તેઓ વિવિધ સરકારી સભાઓ અને કાર્યક્રમોમાં જવા માટે મેટ્રો અને ઈ-રિક્ષાનો સહારો લઈ રહ્યા છે. જનપ્રતિનિધિઓને આ રીતે સામાન્ય જનતાની જેમ મુસાફરી કરતા જોઈને લોકોમાં પણ જાગૃતિ વધી રહી છે. મંત્રીઓએ લીધેલી આ પ્રતિજ્ઞાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે અને લોકો તેને 'નવા ભારત'ની તસવીર ગણાવી રહ્યા છે.
એક તરફ પ્રશંસા, બીજી તરફ કેન્દ્રીય મંત્રીની ટીકા
જ્યારે દિલ્હીના મંત્રીઓ મેટ્રોમાં મુસાફરી કરી ઈંધણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ વાહનોના લાંબા કાફલા સાથે રસ્તાઓ પર નીકળતા સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. એક તરફ પર્યાવરણ અને ઈંધણ બચાવવાની વાતો થઈ રહી હોય ત્યારે મોટા કાફલાઓ લઈને નીકળવું તે વિરોધાભાસી હોવાની ટીકા કરવામાં આવી હતી. આમ, દિલ્હીમાં અત્યારે 'મેટ્રો પોલિટિક્સ' અને 'ફ્યુઅલ સેવિંગ' ચર્ચાનો વિષય બન્યા છે.

(3:27 PM IST)