<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

તમિલનાડુમાં 'થલપતી' વિજયનો જાદુ ચાલ્યો: રિક્ષાચાલક બન્યો 'જાયન્ટ કિલર', રોયાપુરમમાં DMK અને AIADMK ના દિગ્ગજોને ધૂળ ચટાડી રચ્યો ઈતિહાસ!

એક્ટર વિજયની પાર્ટી TVK નું શાનદાર ડેબ્યૂ: ૧૮ બેઠકો પર જીત અને ૯૩ પર લીડ સાથે દ્રવિડિયન રાજનીતિના પાયા હચમચાવ્યા, ભૂતપૂર્વ રિક્ષાચાલક કે.વી. વિજય દામુ બન્યા સ્ટાર પરફોર્મર

ચેન્નાઈ : તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામોએ આખા દેશને ચોંકાવી દીધો છે. દાયકાઓથી રાજ્ય પર શાસન કરનાર બે મુખ્ય પક્ષો—DMK અને AIADMK—ના ગઢમાં એક્ટર વિજયની નવી પાર્ટી 'તમિલગા વેટ્ટરી કઝગમ' (TVK) એ ગાબડું પાડ્યું છે. આ ચૂંટણીના સૌથી મોટા સમાચાર રોયાપુરમ મતવિસ્તારમાંથી આવ્યા છે, જ્યાં એક ભૂતપૂર્વ રિક્ષાચાલક કેવી વિજય દામુએ રાજકીય માંધાતાઓને હરાવીને 'જાયન્ટ કિલર' તરીકે ઉભરી આવ્યા છે.
રિક્ષાચાલકથી ધારાસભ્ય સુધીની સફર
કેવી વિજય દામુ, જેઓ અગાઉ રિક્ષા ચલાવતા હતા અને હાલમાં ઓટો કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે, તેમણે રોયાપુરમ બેઠક પર ૧૪,૦૦૦ થી વધુ મતોના માર્જિનથી જીત મેળવી છે. તેમણે DMK ના એ. સુબેર ખાનને પરાજિત કર્યા છે, જ્યારે AIADMK ના દિગ્ગજ નેતા ડી. જયકુમાર ત્રીજા સ્થાને ફેંકાઈ ગયા છે. આ બેઠક ૧૯૯૧ થી જયકુમારનો ગઢ ગણાતી હતી, પરંતુ વિજયના સૈનિકે આ કિલ્લો તોડી પાડ્યો છે.
ટીવીકે (TVK) નો પ્રચંડ ઉદય
૫૧ વર્ષીય સુપરસ્ટાર વિજયની પાર્ટીએ તેના પ્રથમ જ જંગમાં 'બ્લોકબસ્ટર' એન્ટ્રી કરી છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ, TVK એ ૧૮ બેઠકો પર જીત મેળવી લીધી છે અને અન્ય ૯૩ બેઠકો પર મજબૂત લીડ જાળવી રાખી છે. ખુદ વિજય તિરુચિરાપલ્લી (ઈસ્ટ) અને પેરામ્બુર બંને બેઠકો પરથી મોટા માર્જિનથી આગળ ચાલી રહ્યા છે. પેરામ્બુરમાં તો તેમણે DMK ના આર.ડી. શેખરને ૧૯,૦૦૦ થી વધુ મતોથી પાછળ છોડી દીધા છે.
યુવાધન અને સોશિયલ મીડિયાનો પાવર
વિજયની આ સફળતા પાછળ યુવા મતદારો અને મહિલાઓનો મોટો હાથ માનવામાં આવે છે. વિજયે પરંપરાગત રેલીઓને બદલે ડોર-ટુ-ડોર કેમ્પેઈન અને સોશિયલ મીડિયા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એક્ઝિટ પોલમાં મોટાભાગના લોકોએ DMK ની વાપસીની આગાહી કરી હતી, પરંતુ 'એક્સિસ માય ઈન્ડિયા'ની આગાહી સાચી પડતી જણાય છે, જેમાં વિજયની પાર્ટીને બંને દ્રવિડિયન પક્ષો પર ભારે પડતી બતાવવામાં આવી હતી.
ચેન્નાઈમાં સુરક્ષા સખત
જેમ જેમ પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે, તેમ તેમ ચેન્નાઈમાં વિજયના ઘરની બહાર સમર્થકોની ભીડ ઉમટી પડી છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તમિલનાડુમાં વર્ષોથી ચાલી આવતી બે પક્ષોની લડાઈમાં હવે ત્રીજા પક્ષની મજબૂત એન્ટ્રીએ દક્ષિણ ભારતની રાજનીતિનું ચિત્ર કાયમ માટે બદલી નાખ્યું છે. આ જીત એ વાતની સાબિતી છે કે જનતા હવે નવા ચહેરા અને પરિવર્તનને સ્વીકારવા તૈયાર છે.

(8:16 PM IST)