<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

મંદિરોમાં VIP દર્શન પ્રથા પર મદ્રાસ હાઇકોર્ટનો પ્રહાર: "ભગવાન કોઈ મંત્રીઓની રાહ જોતા નથી : પ્રભુના દરબારમાં બધા સમાન"

ચર્ચ કે મસ્જિદમાં વીઆઈપી કલ્ચર નથી તો હિન્દુ મંદિરોમાં જ કેમ?: બંધારણીય પદો પર બેઠેલા લોકો પોતાને કાયદાથી ઉપર ન સમજે તેમ કહી અદાલતે કમાણી માટે ભક્તો વચ્ચે ભેદભાવ રાખવાની સરકારની દલીલ ફગાવી દીધી

ચેન્નઈ : દેશના ધાર્મિક સ્થળો પર વર્ષોથી ચાલી આવતા વીઆઈપી  દર્શનના કલ્ચર પર મદ્રાસ હાઇકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ટિપ્પણી કરીને સવાલો ઉઠાવ્યા છે. હાઇકોર્ટે મંદિરોમાં પૈસા આપીને અથવા વગદાર પદોનો દુરુપયોગ કરીને વીઆઈપી દર્શન કરવાની પ્રથાને સખત શબ્દોમાં ખોટી અને ભેદભાવપૂર્ણ ગણાવી છે. જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને વી. લક્ષ્મીનારાયણનની વેકેશન બેન્ચે અન્ય ધર્મોનું ઉદાહરણ આપતા સણસણતો સવાલ કર્યો હતો કે, જ્યારે ચર્ચ અથવા મસ્જિદોમાં આવી કોઈ વીઆઈપી વ્યવસ્થા નથી હોતી, તો પછી માત્ર હિન્દુ મંદિરોમાં જ સામાન્ય ભક્તો સાથે આવો અન્યાય કેમ કરવામાં આવે છે?

અદાલતે રાજકારણીઓ અને અધિકારીઓને આડે હાથ લેતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "મંત્રીઓ અને ધારાસભ્યોએ એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે તેઓ ગમે ત્યારે મંદિરમાં ઘૂસી શકે છે અને ખુદ ભગવાન તેમની રાહ જોતા ત્યાં ઊભા હશે." વિશ્વ હિન્દુ પરિષદ ના અધિકારી પી. ચોકલિંગમ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે સરકારની એ દલીલને પણ પાયાવિહોણી ગણીને ફગાવી દીધી હતી, જેમાં કહેવાયું હતું કે VIP કલ્ચર બંધ કરવાથી મંદિરોની આવક માં મોટું નુકસાન થશે. કોર્ટે કહ્યું કે ભગવાનની નજરમાં વડાપ્રધાનથી લઈને રંક સુધીના તમામ ભક્તો એક સમાન છે, તેથી ગરીબ-અમીર વચ્ચેનો આ ભેદભાવ તાત્કાલિક નાબૂદ થવો જોઈએ.

વાસ્તવમાં આ વિવાદ તાજેતરમાં તિરુપ્પરંકુન્દ્રમ મંદિરમાં બનેલી એક ઘટના બાદ વકર્યો છે, જ્યાં નવા બનેલા મંત્રી આર. નિર્મલકુમાર અને તેમના સમર્થકો માટે પ્રોટોકોલ તોડીને નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. જો કે સરકારે નિયમોના ઉલ્લંઘનનો ઈનકાર કર્યો છે, પરંતુ અરજદારના વકીલે સુપ્રીમ કોર્ટના બાંકે બિહારી મંદિર કેસના ચુકાદાનો હવાલો આપીને વીઆઈપી લાઈનો સંપૂર્ણ બંધ કરવાની માંગ કરી છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે માત્ર અશક્ત વૃદ્ધો, દિવ્યાંગો અને અત્યંત અનિવાર્ય બંધારણીય વડાઓ સિવાય કોઈને પણ ધર્મના નામે વિશેષ સુવિધા ન મળવી જોઈએ કારણ કે પદ ગમે તેટલું મોટું હોય, તે કાયદા અને કુદરતથી ઉપર હોઈ શકે નહીં.

(7:50 PM IST)