તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
મધ્યપ્રદેશ: પ્રેમજાળ, બ્લેકમેલિંગ અને કરોડોની ઠગાઈ: ઠગ ગેંગની તાંત્રિક મહિલા 'ચાંદીની ચંપલ' પહેરીને ફરતી, અશોકનગર પોલીસે ફિલ્મી ઢબે કર્યો પર્દાફાશ!
યુવતીને અશ્લીલ વીડિયોના નામે ધમકાવી ₹1.30 કરોડ પડાવ્યા; લક્ઝરી કાર અને મોંઘા દાગીના સહિત ₹70 લાખની મિલકત જપ્ત, ઠગાઈના પૈસાથી આરોપીઓએ માણ્યો જલસો

અશોકનગર, તા.૧૩: મધ્યપ્રદેશના અશોકનગરમાં એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની પાસેથી કરોડો રૂપિયા પડાવનારી એક રીઢા ગુનેગારોની ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ ગેંગ સાથે જોડાયેલી એક તાંત્રિક મહિલા ઠગાઈના પૈસાથી એટલી વૈભવી જીવનશૈલી જીવતી હતી કે તેણે પોતાના માટે ચાંદીના ચંપલ બનાવડાવ્યા હતા. પોલીસે આ ગેંગ પાસેથી રોકડ, દાગીના અને મિલકત સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને આપી ધમકી
પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આદિત્ય સિંહ તોમર, આયુષી ચૌહાણ, આર્યન સોની અને આકાશ ચૌહાણ નામના શખ્સોએ તેને સોશિયલ મીડિયા અને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આ ટોળકીએ યુવતીના અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે આ ગેંગનો એક સાગરીત ક્રાઈમ બ્રાન્ચનો નકલી અધિકારી બનીને આવ્યો અને યુવતીને જેલ ભેગી કરવાની ધમકી આપી તેની પાસેથી કટકે કટકે ₹1.30 કરોડ પડાવી લીધા.
તાંત્રિક મહિલાનો ઠાઠ જોઈ પોલીસ પણ સ્તબ્ધ
પોલીસ અધિક્ષક રાજીવ કુમાર મિશ્રાના માર્ગદર્શન હેઠળ ટીઆઈ આરપીએસ ચૌહાણની ટીમે જ્યારે દરોડા પાડ્યા ત્યારે તેઓ પણ હેબતાઈ ગયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ ઠગાઈના પૈસાથી મોંઘીદાટ લક્ઝરી કાર, સોના-ચાંદીના દાગીના અને સ્થાવર મિલકતો ખરીદી હતી. ખાસ કરીને ગેંગમાં સામેલ મહિલાના ઘરેથી ચાંદીના ચંપલ મળી આવ્યા હતા, જે તેના વૈભવી અને વિકૃત શોખની સાક્ષી પૂરતા હતા. પોલીસે અત્યાર સુધીમાં આશરે ₹70 લાખની મિલકત ટાંચમાં લીધી છે.
લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો
પોલીસે આ મામલે આદિત્ય, આયુષી અને અન્ય સાગરીતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કિસ્સો ઓનલાઈન મિત્રતા કરતા અને અજાણી વ્યક્તિઓ પર ભરોસો મૂકતા યુવાનો માટે લાલબત્તી સમાન છે. ઠગ ગેંગ માત્ર પૈસા જ નહીં પણ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી સતત દબાણમાં રાખતી હતી. હાલ પોલીસ આ કેસમાં અન્ય કોઈ મોટા માથા જોડાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
