તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
મધ્યપ્રદેશ સરકારનો ઐતિહાસિક નિર્ણય: કેબિનેટે સમાન નાગરિક સંહિતા UCCના મુસદ્દાને આપી મંજૂરી, ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બનવાની તૈયારી
ભોપાલ વિધાનસભામાં UCC મુદ્દે સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચે જોરદાર ઘમાસાણ : સરકારે કહ્યું "સમાનતા માટે પગલું", વિપક્ષે કહ્યું "ચૂંટણી રાજનીતિ" : હવે બિલ વિધાનસભામાં રજૂ થશે

ભોપાલ તા.૨૦: મધ્યપ્રદેશની રાજનીતિમાં રવિવારે મોટો વળાંક આવ્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં સમાન નાગરિક સંહિતા - UCCના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.
આ સાથે જ મધ્યપ્રદેશ દેશનું ઉત્તરાખંડ બાદ બીજું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે જે પોતાના રાજ્યમાં UCC લાગુ કરશે.
સમાન નાગરિક સંહિતાનો અર્થ એ છે કે રાજ્યના તમામ ધર્મ અને જાતિના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસો, જીવનસાથીનો અધિકાર અને દત્તક જેવા વ્યક્તિગત કાયદાઓ એકસમાન રહેશે. હાલમાં આ બાબતો અલગ-અલગ ધર્મોના અંગત કાયદાથી ચાલે છે.
સરકારનું માનવું છે કે UCCથી સમાજમાં લૈંગિક સમાનતા આવશે અને કાયદાની પ્રક્રિયા સરળ બનશે.
કેબિનેટની મંજૂરી મળતા જ આ મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો હતો. સત્તાપક્ષે આ નિર્ણયને "સંવિધાનના આર્ટિકલ 44ને અમલમાં મૂકવાનું પગલું" ગણાવ્યું અને કહ્યું કે આનાથી સમાજમાં એકતા અને સમાનતા આવશે.
બીજી તરફ વિપક્ષે આનો સખત વિરોધ કર્યો. વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો કે "આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવાયેલો રાજકીય નિર્ણય છે અને સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ છે". આ મુદ્દે ગૃહમાં બંને પક્ષો વચ્ચે તીખી બોલાચાલી પણ થઈ હતી
હવે કેબિનેટની મંજૂરી બાદ UCCનો મુસદ્દો વિધાનસભામાં બિલના સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે. બિલ પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ રાજ્યમાં લાગુ કરવામાં આવશે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે UCCનો મુદ્દો આવનારા સમયમાં રાજ્યની રાજનીતિનો સૌથી મોટો મુદ્દો બનશે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
