તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
મધ્યપ્રદેશ: ભાજપના પૂર્વ ધારાસભ્યએ સરકારી પ્રોટોકોલના ધજાગરા ઉડાવી જાતે જ પુલની રિબન કાપી નાખી : ક્રેડિટ લેવાની હોડમાં સાંસદ અને કલેક્ટર પણ અંધારામાં રહ્યા
"બંગલો મારો ને પુલ પણ મારો!": આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ : સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો

સિઓની: મધ્યપ્રદેશના સિઓની જિલ્લાના કેવલારી મતવિસ્તારમાં ક્રેડિટ પદયાત્રા અને રાજકીય શ્રેય લેવાની હોડનો એક ભારે રસપ્રદ અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય રાકેશ સિંહ પાલ સત્તાવાર પ્રોટોકોલ અને વહીવટી મંજૂરીની રાહ જોયા વિના જ પોતાના સમર્થકોના મસમોટા કાફલા સાથે ભીમગઢ ખાતે નવનિર્મિત પુલ પર પહોંચી ગયા હતા. અહીં તેમણે કોઈ પણ સરકારી અધિકારી કે સ્થાનિક સાંસદની હાજરી વિના, જાતે જ ખિસ્સામાંથી કાતર કાઢીને રિબન કાપી પુલનું ઉદ્ઘાટન કરી નાખ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને સરકારી તંત્ર પણ દોડતું થઈ ગયું છે.
આ અનોખા પરાક્રમ બાદ કેવલારીના વર્તમાન કોંગ્રેસ ધારાસભ્ય રજનીશ હરવંશ સિંહે પૂર્વ ધારાસભ્ય સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, "પૂર્વ ધારાસભ્યએ પ્રોટોકોલના લીરેલીરા ઉડાવીને એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે જાણે આ પુલ તેમની અંગત મિલકત કે જાગીર હોય! લોકશાહીમાં બંધારણને બાજુ પર મૂકીને ક્રેડિટ ભૂખ્યા નેતાઓ જે રીતે વર્તી રહ્યા છે તે શરમજનક છે." વર્તમાન ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે આ મામલે જ્યારે તેમણે જિલ્લા કલેક્ટર અને સ્થાનિક સાંસદ સાથે વાત કરી, ત્યારે બંનેએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમને આવા કોઈ ઉદ્ઘાટન કાર્યક્રમની ભનક સુદ્ધાં નહોતી.
ઉલ્લેખનીય છે કે રાકેશ પાલ સિંહ વર્ષ ૨૦૧૯માં કેવલારી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેઓ જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, પરંતુ વર્ષ ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લહેર હોવા છતાં તેઓ કોંગ્રેસના રજનીશ સિંહ સામે હારી ગયા હતા. ચૂંટણી હાર્યા બાદ પણ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અને વિકાસ કાર્યોનો જશ ખાટવા માટે તેમણે આ શોર્ટકટ અપનાવ્યો હોવાની ચર્ચા પંથકમાં જોરશોરથી ચાલી રહી છે. કાયદા અને વ્યવસ્થાની ઐસીતૈસી કરીને કરાયેલા આ અણધાર્યા લોકાર્પણથી ભાજપ સંગઠન પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું છે, જ્યારે જનતા આ 'બહાદુર' નેતાના ફિલ્મી અંદાજ પર સોશિયલ મીડિયામાં વિવિધ મીમ્સ બનાવીને મજા લઈ રહી છે.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
