તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
મધ્યપ્રદેશ: સિંગરૌલીમાં દિનદહાડે ફિલ્મી ઢબે બેંક લૂંટ: 5 હથિયારબંધ બદમાશોએ બેંક મેનેજરને બંધક બનાવી ₹36 લાખની મત્તા પર કર્યો હાથફેરો
બંદૂકના બટ વડે મેનેજર પર હુમલો કરી કેશ અને સોનું લૂંટી બદમાશો ફરાર; સિંગરૌલીમાં હાઈ-એલર્ટ, નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ

સિંગરૌલી: મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના બઢત વિસ્તારમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં શુક્રવારે બપોરે લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો. ધોળા દિવસે પાંચ હથિયારબંધ બદમાશોએ બેંકમાં ત્રાટકીને અંદાજે ₹36 લાખની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે અને જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.
મેનેજર સાથે મારપીટ અને આતંક
માહિતી મુજબ, બપોરે આશરે 1 વાગ્યે બે હથિયારબંધ લૂંટારુઓ ગ્રાહકના સ્વાંગમાં બેંકમાં પ્રવેશ્યા હતા, જેની પાછળ તરત જ બીજા ત્રણ સાગરીતો પણ ધસી આવ્યા હતા. તેમણે બેંકના સ્ટાફ અને હાજર ગ્રાહકો પર બંદૂક તાણી દીધી હતી. જ્યારે બેંક મેનેજરે તિજોરીની ચાવી આપવાની ના પાડી, ત્યારે બદમાશોએ બંદૂકના બટ વડે તેમના માથા પર ઘાતક પ્રહાર કરીને તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા.
20 મિનિટમાં ખેલ ખતમ: કેશ અને સોનું લૂંટી ગયા
લૂંટારુઓએ અંદાજે 20 મિનિટ સુધી બેંકની અંદર તાંડવ મચાવ્યું હતું. લૂંટારુઓ તિજોરીમાંથી ₹16 લાખની રોકડ અને આશરે ₹20 લાખની કિંમતનું સોનું એક પેટીમાં ભરીને પલકવારમાં ફરાર થઈ ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે જે સમયે આ ઘટના બની ત્યારે બેંકમાં કોઈ સુરક્ષા ગાર્ડ હાજર નહોતો. એસપી મનીષ ખત્રીના જણાવ્યા મુજબ, ગુરુવાર સુધી બેંકમાં ₹14.50 લાખ હતા અને બાકીની રકમ આજનું કલેક્શન હતું.
CCTVમાં કેદ થયા લૂંટારુઓ
બેંકની બહાર લાગેલી એક દુકાનના સીસીટીવી ફૂટેજમાં ત્રણ બદમાશો એક જ બાઇક પર થેલો લઈને ભાગતા નજરે પડે છે. પોલીસે આ ફૂટેજ કબજે કરીને તપાસ તેજ બનાવી છે. એસપી મનીષ ખત્રીએ પોતે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને શહેરના તમામ એક્ઝિટ પોઈન્ટ્સ સીલ કરી દેવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશમાં વધતી જતી ગુનાખોરી વચ્ચે આ બેંક લૂંટની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલમાં પોલીસ લૂંટારુઓના સગડ મેળવવા માટે તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
