તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
રાખના ઢગલામાં ફેરવાયું લખનૌનું વિકાસ નગરઃ ૧૨૦૦ ઝૂંપડાં બળીને ભસ્મ
સેંકડો પરિવારો બન્યા બેઘરઃ આગની લપેટમાં ૫૦ પશુઓ જીવતા ભૂંજાયા, અનેક બાળકો ગુમ થવાની આશંકા : લખનૌમાં એકસાથે ૧૦૦ ગેસ સિલિન્ડર ફાટતા આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો વિકાસ નગરમાં ૫ કિમી દૂર સુધી દેખાયા આગના ગોટા, ૨૨ ફાયર ફાઈટરોની ભારે જહેમત

લખનૌ તા.૧૬: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે સાંજે ભીષણ આગ ભારે તબાહી મચાવી છે. વિકાસ નગર સેક્ટર-૧૨ સ્થિત રિંગ રોડ પર આવેલી એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં આશરે ૧૨૦૦ જેટલા ઝૂંપડાં બળીને રાખ થઈ ગયા છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે ૫ કિલોમીટર દૂરથી પણ આકાશમાં ધુમાડાના ગોટા અને જ્વાળાઓ સ્પષ્ટ જોઈ શકાતી હતી.
આગની ચપેટમાં આવેલા ઝૂંપડાઓમાં રાખવામાં આવેલા આશરે ૧૦૦ જેટલા ગેસ સિલિન્ડર ફટાકડાની જેમ એકપછી એક ફાટવા લાગ્યા હતા. વિસ્ફોટોના અવાજથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આગ સાંજે ૫ વાગ્યાની આસપાસ એક ઝૂંપડીમાંથી શરૂ થઈ હતી અને જોતજોતામાં પવનના વેગે આખી વસાહતને લપેટમાં લઈ લીધી હતી.
ઘટનાની જાણકારી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ૨૨ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા છતાં મદદ પહોંચવામાં એક કલાકનો વિલંબ થયો હતો, જેના કારણે નુકસાનનો આંકડો વધી ગયો. અગ્નિશમન દળના જવાનોએ રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે આસપાસના ૩૦ પાકા મકાનો પણ ખાલી કરાવવામાં આવ્યા હતા.
આ હોનારતમાં જાનમાલનું મોટું નુકસાન થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આગમાં ૫૦ જેટલા બકરા અને ૨ ગાયો જીવતી ભૂંજાઈ ગઈ છે. વધુ ચિતાજનક બાબત એ છે કે કેટલાક બાળકો ગુમ હોવાના અહેવાલ મળી રહ્યા છે, જેમના માટે પોલીસ અને એસડીઆરએફની ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
રક્ષામંત્રી રાજનાથ સિહે આ ઘટના અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવા સૂચના આપી છે. આ ઉપરાંત, નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું છે.(
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
