News of Monday, 18th May 2026
લખનૌ સળગ્યું: ૬૯,૦૦૦ શિક્ષકોની ભરતી મામલે ઉમેદવારોનો હિંસક વિરોધ, શિક્ષણ મંત્રીના બંગલાની બહાર ભારે પથ્થરમારો અને તોડફોડ, સીએમ આવાસ ઘેરવાની ચેતવણી
"છ વર્ષથી અમે કીડા-મકોડાની જેમ રડી રહ્યા છીએ" – પછાત અને દલિત વર્ગના ઉમેદવારોનો આક્રોશ; ૧૯ મેની કોર્ટ સુનાવણી પહેલા પોલીસ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણથી સ્થિતિ વણસી

લખનૌ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં વકીલોના હંગામા બાદ હવે શિક્ષક ભરતીના હજારો ઉમેદવારોના ઉગ્ર આક્રોશને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સ્ફોટક બની ગઈ છે. વર્ષોથી લટકેલી ૬૯,૦૦૦ પ્રાથમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં ન્યાયની માંગ સાથે સોમવારે હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઉશ્કેરાયેલા ઉમેદવારોએ લખનૌના હાઈ-પ્રોફાઈલ મોલ એવન્યુ વિસ્તારમાં આવેલા શિક્ષણ મંત્રીના સરકારી નિવાસસ્થાન પર હિંસક વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે સુરક્ષાકર્મીઓને કડક વલણ અપનાવવાની ફરજ પડી છે, જ્યારે પ્રદર્શનકારીઓએ હવે સીધા જ મુખ્યમંત્રી (CM) આવાસને ઘેરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
શિક્ષણ મંત્રીના ઘરની બહાર ચક્કાજામ અને ભારે હોબાળો
પ્રાપ્ત વિગતો અનુસાર, શિક્ષણ મંત્રી પોતાના બંગલા પર હાજર ન હોવા છતાં, આક્રોશિત ઉમેદવારોએ તેમના ઘરની આસપાસ ઘેરાબંધી કરી લીધી છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો રસ્તાઓ પર આડા સૂઈ ગયા હતા અને ચક્કાજામ કરી દીધો હતો. વિરોધીઓના હાથમાં સરકાર વિરોધી સ્લોગન લખેલા પોસ્ટરો અને બેનરો હતા. પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે લખનૌ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ભારે પોલીસ કાફલા અને વજ્ર વાહનો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે રસ્તાઓ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયા હતા. પોલીસે ભીડને વિખેરવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હોવાના અહેવાલો છે.
"અમે કીડાઓની જેમ રડી રહ્યા છીએ" – દલિત અને પછાત વર્ગની સળગતી વેદના
વિરોધ પ્રદર્શન દરમિયાન અનામત વર્ગના એક પીડિત ઉમેદવારે ભારે હૈયે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે, "વાસ્તવમાં અમારે છેલ્લા છ વર્ષથી સરકારી શાળામાં શિક્ષક હોવું જોઈતું હતું, પરંતુ સરકારની ઉદાસીનતાને કારણે અમે પછાત અને દલિત સમુદાયના યુવાનો રસ્તા પર કીડા-મકોડાની જેમ રડવા અને ભટકવા માટે મજબૂર બન્યા છીએ. સરકારે કોર્ટમાં હજુ સુધી કોઈ મજબૂત દરખાસ્ત કે સોગંદનામું મોકલ્યું નથી, જેના કારણે અમારું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું છે." અન્ય એક યુવાને ચેતવણી આપતા કહ્યું કે, જો સરકાર વહેલી તકે અમારી માંગણીઓ પૂરી નહીં કરે તો આ આંદોલન આખા ઉત્તર પ્રદેશમાં ફેલાઈ જશે.
૧૯ મેના રોજ કોર્ટમાં મહાયુદ્ધ, સરકાર પાસે છેલ્લી તક
આ હાઈ-પ્રોફાઈલ કેસની સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક સુનાવણી આવતીકાલે, એટલે કે ૧૯ મે, ૨૦૨૬ ના રોજ હાઈકોર્ટમાં થવાની છે. કાનૂની લડાઈના આ છેલ્લા તબક્કા પહેલા જ ઉમેદવારોએ સરકાર પર દબાણ લાવવા માટે આ આક્રમક વલણ અપનાવ્યું છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ એ છે કે, આવતીકાલની સુનાવણી દરમિયાન સરકાર પોતાના સૌથી વરિષ્ઠ સરકારી વકીલ (એડવોકેટ જનરલ) ને કોર્ટમાં મોકલે અને કોઈપણ સંજોગોમાં તારીખ પડાવવાને બદલે આ વિવાદનો કાયમી અને સંતોષકારક ઉકેલ લાવે. હાલમાં લખનૌના તમામ સંવેદનશીલ વિસ્તારો અને સીએમ આવાસની આસપાસ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
