તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
રૂ. 10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોની LPG સબસિડી બંધ: ઇન્ડેન ગેસની ગ્રાહકોને નોટિસ
ઇન્ડેન દ્વારા કેવાયસી (KYC) અપડેટ કરવાની પ્રક્રિયા તેજ, નિયમ વિરુદ્ધ સબસિડી લેનારાઓ સામે કડક કાર્યવાહીના સંકેત

અમદાવાદ:કેન્દ્ર સરકારના નિર્દેશાનુસાર હવે એલપીજી (LPG) સબસિડીના નિયમોમાં વધુ કડકાઈ જોવા મળી રહી છે. ઇન્ડેન ગેસ (Indane Gas) દ્વારા તાજેતરમાં એવા ગ્રાહકોને નોટિસ પાઠવવામાં આવી છે જેમના પરિવારની વાર્ષિક આવક રૂ. 10 લાખ કે તેથી વધુ છે. સરકારના જૂના નિયમ છતાં ઘણા સંપન્ન પરિવારો સબસિડીનો લાભ લેતા હોવાનું સામે આવતા હવે કંપનીઓએ ડેટા ફિલ્ટર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
શું છે નવો નિયમ?
સરકારના નિયમ મુજબ, જો પતિ અથવા પત્ની બંનેની સંયુક્ત વાર્ષિક આવક (Taxable Income) રૂ. 10 લાખથી વધારે હોય, તો તેઓ સબસિડી મેળવવા માટે પાત્ર નથી. જોકે, ઘણા ગ્રાહકોએ હજુ સુધી પોતાની સબસિડી સ્વેચ્છાએ જતી કરી નથી. આથી, ઇન્ડેન દ્વારા હવે ગ્રાહકોને નોટિસ આપીને તેમની આવકની જાહેરાત કરવા અથવા સબસિડી છોડી દેવા માટે સૂચના આપવામાં આવી રહી છે.
KYC પ્રક્રિયા ફરજિયાત
ગેસ એજન્સીઓ દ્વારા હાલમાં મોટા પાયે ઈ-કેવાયસી (e-KYC) કરાવવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય ડમી કનેક્શન શોધવાનો અને જે ગ્રાહકો સબસિડી માટે પાત્ર નથી તેમને ઓળખવાનો છે. જે ગ્રાહકો નોટિસનો જવાબ નહીં આપે અથવા ખોટી માહિતી આપશે, તેમનું કનેક્શન બ્લોક થઈ શકે છે અથવા તેમની સબસિડી કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે.
ડેટા ટ્રેકિંગ અને તપાસ
આવકવેરા વિભાગના ડેટા સાથે લિંકિંગ હોવાને કારણે હવે ગેસ કંપનીઓ માટે ગ્રાહકની આવક જાણવી સરળ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કોઈ ગ્રાહક 10 લાખથી વધુ આવક હોવા છતાં ખોટી રીતે સબસિડી મેળવતો જણાશે, તો તેની પાસેથી અગાઉ લીધેલી સબસિડીની રકમ વસૂલવાની જોગવાઈ પણ વિચારાઈ રહી છે.
સામાન્ય જનતા પર શું અસર પડશે?
આ ફેરફાર માત્ર ઉચ્ચ આવક ધરાવતા પરિવારો માટે જ છે. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો, જેમને ઉજ્જવલા યોજના હેઠળ અથવા સામાન્ય સબસિડી મળે છે, તેમને આનાથી કોઈ નુકસાન થશે નહીં. સરકારનો ઉદ્દેશ્ય સબસિડીનો લાભ માત્ર જરૂરિયાતમંદ લોકો સુધી જ પહોંચાડવાનો છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
