તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
LPG અને ક્રૂડ ઓઈલ પર સરકારની મોટી સ્પષ્ટતા: "દેશમાં કોઈ અછત નથી, સપ્લાય ફૂલ છે!"
પેટ્રોલિયમ મંત્રાલયે અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ; દરરોજ 50 લાખ સિલિન્ડરનું બુકિંગ અને 93% ડિલિવરી રેટ સાથે સિસ્ટમ કાર્યરત: નિયમો તોડનારા 255 વિતરકો પર તવાઈ અને 55 સસ્પેન્ડ

નવી દિલ્હી : દેશમાં રાંધણ ગેસ (LPG) અને ક્રૂડ ઓઈલની અછતને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ મોટી અપડેટ આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ગભરાવાની કોઈ જરૂર નથી. ખાસ કરીને સ્થાનિક ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકાર 'પ્રાથમિકતા'ના ધોરણે સપ્લાય કરી રહી છે. વિતરક સ્તરે પણ ક્યાંય અછતના અહેવાલ નથી, જે સામાન્ય જનતા માટે મોટી રાહતના સમાચાર છે.
સરકારી આંકડાઓ મુજબ, હાલમાં દરરોજ અંદાજે 50 લાખ (5 મિલિયન) સિલિન્ડર બુક થઈ રહ્યા છે, જેમાંથી 93% ઓર્ડરની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી રહી છે. પારદર્શિતા વધારવા માટે 98% બુકિંગ ઓનલાઈન માધ્યમથી કરવામાં આવી રહ્યા છે. જોકે, ગ્રાહકોના હિત રક્ષણ માટે સરકાર એક્શન મોડમાં પણ છે; નિયમોનું ઉલ્લંઘન કરનારા 255 LPG વિતરકોને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે અને 55 વિતરકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે. આ કડક પગલાંનો ઉદ્દેશ્ય બજારમાં કાળાબજાર અને અનિયમિતતા રોકવાનો છે.
ઉનાળાની ગરમીને કારણે બુકિંગમાં થોડો ઘટાડો નોંધાયો છે, જે હાલમાં 45 થી 46 લાખ સિલિન્ડરની આસપાસ છે. બીજી તરફ, સરકાર પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ને પ્રોત્સાહન આપી રહી છે, જેના ભાગરૂપે માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં અંદાજે 4.68 લાખ નવા કનેક્શન આપવામાં આવ્યા છે. મજૂરો અને વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 5 કિલોના નાના સિલિન્ડરનું વેચાણ પણ વધ્યું છે, જેમાં 23 માર્ચથી અત્યાર સુધી 16.5 લાખથી વધુ સિલિન્ડર વેચાયા છે. આમ, સરકાર વિવિધ વિકલ્પો દ્વારા ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
