<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

પશ્ચિમી દેશોની તુલનામાં ભારતમાં ઓછી ગુણવત્તાવાળા ખાદ્ય ઉત્પાદનો વેચાણ !! સુપ્રીમ કોર્ટે કંપનીઓને ફટકાર લગાવી

સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે ભારતના ગ્રાહકોને પણ અમેરિકા કે બ્રિટનના લોકોની જેમ જ સુરક્ષા અને સંપૂર્ણ માહિતી મેળવવાનો અધિકાર છે

નવી દિલ્હી :દેશની સર્વોચ્ચ અદાલતમાં ગુરુવારે ભારતમાં વેચાતા ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા (ક્વોલિટી) અને પેકેજિંગ લેબલ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અદાલતે આ બાબતે ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે આ કંપનીઓ પશ્ચિમી દેશોની તુલનામાં ભારતમાં ઓછી ગુણવત્તાવાળા ખાદ્ય ઉત્પાદનો વેચી રહી છે. કોર્ટે આ પરિસ્થિતિને અત્યંત ચિંતાજનક ગણાવી છે.

આ કેસની સુનાવણી જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેંચ સમક્ષ થઈ હતી.

‘સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે પેકેટમાં વેચાતી ખાદ્ય ચીજવસ્તુઓ પર 'ફ્રન્ટ-ઓફ-પેક ન્યુટ્રિશન લેબલિંગ' (પેકેટના આગળના ભાગ પર પોષક તત્વોની માહિતી) ફરજિયાત કરવામાં આવે, જેથી તેને ખરીદનાર ગ્રાહકને સ્પષ્ટ ખબર રહે કે પેકેટની અંદર શું છે. અદાલતે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં કાર્યરત ઘણા મલ્ટિનેશનલ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) બેવડું વલણ અપનાવી રહ્યા છે. કોર્ટે નોંધ્યું કે આ કંપનીઓ અન્ય વિકસિત દેશોમાં સ્વૈચ્છિક રીતે ન્યુટ્રિશન લેબલિંગ અપનાવે છે, પરંતુ ભારતમાં આવા નિયમોનો વિરોધ કરે છે.

 

સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે ભારતના ગ્રાહકોને પણ અમેરિકા કે બ્રિટનના લોકોની જેમ જ સુરક્ષા અને સંપૂર્ણ માહિતી મેળવવાનો અધિકાર છે. કોર્ટે આદેશ આપ્યો કે કંપનીઓએ તમામ દેશોમાં એકસમાન ધોરણો અપનાવવા જોઈએ અને ભારતીય ગ્રાહકોનું પણ એટલું જ સન્માન કરવું જોઈએ, જેટલું તેઓ અન્ય દેશોના ગ્રાહકોનું કરે છે.

(2:06 PM IST)