તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Saturday, 11th July 2026
પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ તે માતા-પિતા સ્વીકારશે કે કેમ અને ભવિષ્યમાં મુશ્કેલી તો નહીં નોતરે ?: તેનો વિચાર કરવો અત્યંત જરૂરી: નરેશભાઈ પટેલ
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા દીકરીઓને લઈને આપવામાં આવેલા નિવેદનના સંદર્ભમાં ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશભાઈ પટેલે એક મહત્વનું અને માર્ગદર્શક નિવેદન આપ્યું

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા દીકરીઓને લઈને આપવામાં આવેલા નિવેદનના સંદર્ભમાં ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશભાઈ પટેલે એક મહત્વનું અને માર્ગદર્શક નિવેદન આપ્યું છે. આજના બદલાતા યુગમાં દીકરીઓની સુરક્ષા અને તેમના ઉછેર અંગે સમાજના દરેક વર્ગમાં ચિંતા જોવા મળી રહી છે, ત્યારે નરેશભાઈ પટેલે યુવા પેઢી અને ખાસ કરીને દીકરીઓને સોશિયલ મીડિયાના આકર્ષણથી બચવા અને સાચી દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપી છે.
નરેશભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "પ્રેમ કરવો એ પાપ કે ગુનો નથી, પરંતુ તે પ્રેમ માતા-પિતા સ્વીકારશે કે કેમ અને શું તે સંબંધ ભવિષ્યમાં મુશ્કેલી તો નહીં નોતરે, તેનો વિચાર કરવો અત્યંત જરૂરી છે.
"તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમથી દીકરીઓ ઘણીવાર ખોટા આકર્ષણમાં ફસાઈ જાય છે. જે પરિવારમાં દીકરી હોય તે જ સમજી શકે છે કે જ્યારે પરિસ્થિતિ બગડે ત્યારે માતા-પિતા પર શું વીતતી હોય છે.
વધુમાં નરેશભાઈ પટેલે દીકરીઓને સિંગર બનવાના વલણ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે, પરંતુ તેમણે દેશની મહાન ગાયિકા લતા મંગેશકર પાસેથી પ્રેરણા લેવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, આ માત્ર પાટીદાર સમાજની જ નહીં, પરંતુ તમામ સમાજની દીકરીઓની ચિંતાનો વિષય છે.
આ માટે સમાજના આગેવાનોએ એક કમિટી બનાવીને વિચાર-વિમર્શ કરવો જોઈએ અને યુવા પેઢીને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ.
તેમણે ઇશ્વર પર શ્રદ્ધા રાખવાની વાત કરતા કહ્યું કે, જો કોઈ મનગમતું પાત્ર કે ભાગ્ય તમારા નસીબમાં હશે, તો તેને કોઈ છીનવી શકશે નહીં. માતા-પિતાની સહમતી વિનાના સંબંધો ઘણીવાર દુઃખદ અંત તરફ દોરી જાય છે, જે ટાળવા માટે યુવાનોએ પરિપક્વતા દાખવવી જોઈએ.
નરેશભાઈ પટેલના આ નિવેદનને સમાજમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે. વાલીઓ અને યુવાનો માટે તેમનું આ માર્ગદર્શન એક દિશા સૂચક બની રહ્યું છે, જે સમાજમાં રહેલા ડર અને અસુરક્ષાના ભાવને ઘટાડીને સકારાત્મક વિચારસરણી કેળવવામાં મદદરૂપ થશે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
