<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

કર્ણાટકની શાળાઓમાં લાંબા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદ પર સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય: હિજાબ પરનો પ્રતિબંધ હટાવાયો

સિદ્ધારમૈયા સરકારે ભાજપ સરકારનો 2022 નો નિર્ણય બદલ્યો:વિદ્યાર્થીનીઓ હવે સ્કૂલ યુનિફોર્મ સાથે હિજાબ પહેરી શકશે:હિજાબની સાથે પાઘડી અને પવિત્ર જનોઈ પહેરવાની પણ મળી છૂટ: શિક્ષણ મંત્રી મધુ બંગારપ્પાએ સર્વસમાવેશક શિક્ષણ માટે લીધો નિર્ણય

કર્ણાટકની શાળાઓમાં લાંબા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. રાજ્યની સિદ્ધારમૈયા સરકારે ભાજપ શાસન દરમિયાન લાદવામાં આવેલો હિજાબ પરનો પ્રતિબંધ સત્તાવાર રીતે ઉઠાવી લીધો છે. હવે વિદ્યાર્થીનીઓ શાળાના નિર્ધારિત ગણવેશ સાથે પોતાની ધાર્મિક પરંપરા મુજબ હિજાબ પહેરી શકશે. આ નવો આદેશ વર્તમાન શૈક્ષણિક સત્રથી જ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે.

 

કર્ણાટક સરકાર દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા વહીવટી આદેશ અનુસાર, વિદ્યાર્થીઓ હવે તેમના શાળા ગણવેશ સાથે "મર્યાદિત પરંપરાગત અને કસ્ટમ-આધારિત પ્રતીકો" નો ઉપયોગ કરી શકશે. સરકારના આ નિર્ણયથી હવે માત્ર હિજાબ જ નહીં, પરંતુ શીખ વિદ્યાર્થીઓ પાઘડી, હિન્દુ વિદ્યાર્થીઓ પવિત્ર દોરો અથવા જનોઈ અને સ્કાર્ફ પણ કોઈપણ અવરોધ વગર પહેરી શકશે. શિક્ષણ મંત્રી મધુ બંગારપ્પા એ સ્પષ્ટ કર્યું હતું કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વસમાવેશક શિક્ષણ છે જેથી કોઈ પણ વિદ્યાર્થી પોતાની ધાર્મિક માન્યતાને કારણે શિક્ષણથી વંચિત ન રહે.

 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 માં તત્કાલીન ભાજપ સરકારે શાળાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લાદ્યો હતો, જેને કારણે રાજ્યભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. કોંગ્રેસ સરકારે હવે આ વહીવટી નિર્ણયને બદલી નાખ્યો છે. સરકારનું માનવું છે કે આ પગલાથી શૈક્ષણિક વાતાવરણમાં સમાનતા અને ધાર્મિક સ્વતંત્રતા જળવાઈ રહેશે.

હિજાબનો આ મામલો કર્ણાટક હાઈકોર્ટ થી લઈને દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો. માર્ચ 2022 માં હાઈકોર્ટે ઠેરવ્યું હતું કે હિજાબ એ ઇસ્લામની "ફરજિયાત ધાર્મિક પ્રથા" નથી. ત્યારબાદ ઓક્ટોબર 2022 માં સુપ્રીમ કોર્ટે આ વિષય પર વિભાજિત ચુકાદો આપ્યો હતો અને મામલો મોટી બેન્ચને સોંપ્યો હતો. જોકે, કાનૂની પ્રક્રિયા ચાલુ હોવા છતાં રાજ્ય સરકારના આ વહીવટી આદેશથી વિદ્યાર્થીઓને તાત્કાલિક મોટી રાહત મળી છે.

(10:25 PM IST)