<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

'લાંબા સમય સુધી ટ્રાયલ પૂર્વેની અટકાયત એ ટ્રાયલ વગરની સજા ન બની શકે': રાજસ્થાનના ચકચારી જલ જીવન મિશન ભ્રષ્ટાચાર કેસમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કોંગ્રેસના પૂર્વ મંત્રી મહેશ ચંદ્ર જોશી અને મુકેશ પાઠકને મળ્યા જામીન

નાણાકીય અનિયમિતતાના ગંભીર આરોપો પણ વ્યક્તિગત સ્વતંત્રતા અને ઝડપી ટ્રાયલના મૂળભૂત અધિકારને છીનવી ન શકે; ટ્રાયલ પૂર્ણ થવામાં લાંબો સમય લાગવાની સંભાવના હોવાથી અદાલતે કસ્ટડી લંબાવવાનો ઇનકાર કર્યો.

નવી દિલ્હી : રાજસ્થાનમાં ચકચારી જલ જીવન મિશન હેઠળ સેંકડો કરોડ રૂપિયાના ટેન્ડરોમાં કથિત અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારના કેસમાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે લાંબા સમય સુધી ટ્રાયલ પૂર્વેની અટકાયત ક્યારેય ટ્રાયલ વગરની સજામાં પરિવર્તિત થવી જોઈએ નહીં. કોર્ટે કડક અવલોકન કર્યું હતું કે ગંભીર આર્થિક કે ભ્રષ્ટાચારના આરોપો હોય તો પણ બંધારણની કલમ ૨૧ હેઠળ નાગરિકોને મળેલા વ્યક્તિગત સ્વતંત્રતા અને ઝડપી ન્યાય મેળવવાના મૌલિક અધિકારોનું રક્ષણ કરવું અનિવાર્ય છે.

 

આ કેસની વિગતો અનુસાર, રાજસ્થાનના પૂર્વ મંત્રી મહેશ ચંદ્ર જોશી અને મુકેશ પાઠક લાંબા સમયથી જેલમાં બંધ હતા. આ મામલામાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી છે. ફરિયાદ પક્ષનો સમગ્ર કેસ મુખ્યત્વે દસ્તાવેજો, બેંક સ્ટેટમેન્ટ્સ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ પર આધારિત છે. કોર્ટે નોંધ્યું હતું કે હવે બંને આરોપીઓ પાસેથી વધુ કસ્ટોડિયલ ઇન્ટરોગેશન (પૂછપરછ) કે કોઈ જ વસ્તુની રિકવરી કરવાની જરૂર બાકી રહેતી નથી, જેથી પુરાવાઓ સાથે ચેડાં થવાની કોઈ સંભાવના નથી. આ સાથે જ ૭૨ વર્ષીય જોશી અને પાઠક લાંબા સમયથી જેલમાં સજા ભોગવી રહ્યા છે અને હજુ સુધી ટ્રાયલ શરૂ થઈ નથી તેમજ આરોપો પણ ઘડવામાં આવ્યા નથી, જેને અદાલતે ગંભીરતાથી લીધું હતું.

 

અદાલતે ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે આ કેસમાં ૨૨ આરોપીઓ, ત્રણ ચાર્જશીટ, ૧૨૪ સરકારી સાક્ષીઓ અને આશરે ૨૦,૦૦૦ પાના જેટલા વિશાળ દસ્તાવેજો સામેલ છે. વળી, કેટલાક સહ-આરોપીઓની તપાસ હજુ બાકી છે અને કેટલાક ફરાર પણ છે, જેના કારણે નજીકના ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થવાની કોઈ શક્યતા દેખાતી નથી. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે બંને આરોપીઓને કડક શરતોના આધારે નિયમિત જામીન મંજૂર કર્યા છે. કોર્ટના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી ભ્રષ્ટાચારના કેસોમાં અંડર-ટ્રાયલ કેદીઓની અટકાયત અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર વચ્ચેના સંતુલનને લઈને નવી ચર્ચા છેડાઈ છે.

(7:23 PM IST)