<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

રતનમહાલના જંગલોના એકલવાયા વાઘને મળશે બે વાઘણનો સાથ

ડિસેમ્‍બરમાં મધ્‍ય પ્રદેશથી લાવીને વસાવવાની તૈયારી કેન્‍દ્રની સમિતિના અહેવાલમાં ગુજરાતને વાઘણના સ્‍થળાંતર માટે અનુકૂળ ગણાવાયું: બંને વાઘણને વાઘના વિસ્‍તારના જુદા-જુદા ભાગોમાં છોડવામાં આવશે

નવી દિલ્‍હી તા.૧૯: ગુજરાતના જંગલોમાં દાયકાઓ બાદ વાઘની ગર્જના ફરી સંભળાય અને રતનમહાલના જંગલોમાં એકલા ફરતા એકલવાયા વાઘને સાથી મળે તે માટે વન વિભાગે તૈયારી તેજ કરી છે. પહેલ હેઠળ ડિસેમ્‍બરમાં બે વાઘણને ગુજરાત લાવવાની દરખાસ્‍ત છે. વન અધિકારીઓને આશા છે કે આ પગલાથી વાઘના સંવનન અને પ્રજનનનો માર્ગ મોકળો થશે તથા રાજ્‍યમાં વાઘની વસ્‍તી ફરી સ્‍થાપિત કરવાની શરૂઆત થઈ શકશે. નકશાજુઓ

કેન્‍દ્રના પર્યાવરણ અને વન મંત્રાલયે રચેલી સમિતિના ૩૦ પાનાના અહેવાલમાં ગુજરાતને વાઘણોના સ્‍થળાંતર માટે અનુકૂળ ગણાવવામાં આવ્‍યું છે. અહેવાલમાં આ પ્રક્રિયા માટે જરૂરી માર્ગદર્શિકા અને પ્રોટોકોલ પણ નક્કી કરવામાં આવ્‍યા છે.

નેશનલ ટાઇગર કન્‍ઝર્વેશન ઓથોરિટીની (NTCA)  પહેલ હેઠળ બે વાઘણને ગુજરાતમાં લવાશે. સમિતિના અધ્‍યક્ષ તરીકે રાષ્ટ્રીય વન્‍યજીવ બોર્ડ (NBWL) અને તેની સ્‍ટેન્‍ડિંગ કમિટીના ભૂતપૂર્વ સભ્‍ય એચ. એસ. સિહ હતા. તેમાં વન્‍યજીવ વૈજ્ઞાનિક ડો. બિલાલ હબીબ અને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળના સહાયક વન મહાનિરીક્ષક એન. વી. કાલેનો પણ સમાવેશ થાય છે.

ફેબ્રુઆરી ૨૦૨૫માં ગુજરાતમાં લગભગ ચાર વર્ષનો નર વાઘ પ્રવેશ્‍યો ત્‍યારથી દાહોદ, છોટા ઉદેપુર અને સગતાલા સુધી ફેલાયેલા રતનમહાલ અભયારણ્‍યના જંગલ વિસ્‍તારમાં ફરી રહ્યો છે. તેની અવરજવરના અભ્‍યાસને આધારે એકને બદલે બે વાઘણ લાવવાની ભલામણ કરવામાં આવી છે. વન્‍યજીવ નિષ્‍ણાતોના મતે, નર વાઘના વિસ્‍તારમાં અલગ-અલગ સ્‍થળે બંને વાઘણોને છોડવામાં આવે તો તેમનો નર વાઘ સાથે ભેટો થવાની અને પ્રજનનની શક્‍યતા વધી શકે છે. દરખાસ્‍ત મુજબ, એક વાઘણને છોટા ઉદેપુર નજીક અને બીજીને સગતાલા નજીક છોડવામાં આવી શકે છે. બંને વાઘણની ઉંમર નર વાઘની ઉંમરની આસપાસ હશે.

એચ. એસ. સિહે જણાવ્‍યું હતું કે ગુજરાત સરકાર અને કેન્‍દ્રના પર્યાવરણ તથા વન મંત્રાલયને અહેવાલ સુપરત કરવામાં આવ્‍યો છે. ગુજરાતને વાઘણોના સ્‍થળાંતર માટે અનુકૂળ ગણવામાં આવ્‍યું છે. રાજ્‍યના મુખ્‍ય વન સંરક્ષક જયપાલ સિહે પણ અહેવાલ મળ્‍યાની પુષ્ટિ કરી હતી.

વાઘણને લાવવાની સંભવિત યોજના પહેલાં વન વિભાગે સમગ્ર વિસ્‍તારમાં દેખરેખ મજબૂત કરવાની કામગીરી શરૂ કરી છે. સીસીટીવી કેમેરા અને કેમેરા ટ્રેપ લગાવવા માટે ટેન્‍ડર મગાવવામાં આવ્‍યાં છે. નવેમ્‍બરના અંત સુધીમાં આશરે ૧,૧૦૦ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે. તેનાથી વાઘ અને નવી લાવવામાં આવનારી વાઘણોની હિલચાલ પર નજર રાખવામાં મદદ મળશે.

રતનમહાલ વિસ્‍તારમાં નર વાઘ પોતાનું ક્ષેત્ર સ્‍થાપિત કરી ચૂક્‍યો છે. વિસ્‍તાર વાઘ માટે અનુકૂળ છે કે નહીં તે નક્કી કરતી વખતે નીલગાય અને જંગલી ભૂંડ જેવા શિકાર બની શકે તેવા પ્રાણીઓની હાજરીને પણ ધ્‍યાનમાં લેવામાં આવી હતી.

ડિસેમ્‍બર ૨૦૨૫માં રતનમહાલ અભયારણ્‍યમાં વાઘ દેખાયાના પુષ્ટિ થયેલા અહેવાલો અને ફોટોગ્રાફિક પુરાવા મળ્‍યા બાદ ગુજરાતને ઓલ-ઇન્‍ડિયા ટાઇગર એસ્‍ટિમેશન(AITE) ૨૦૨૬માં સામેલ કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળે અભયારણ્‍યમાં સંરક્ષણનાં પગલાં લેવા સૂચના આપી હતી. વર્ષ ૨૦૨૬ની વાઘ ગણતરીથી આ વિસ્‍તારમાં વાઘની હાજરી અંગે વધુ સ્‍પષ્ટ ચિત્ર મળવાની અપેક્ષા છે.

ઉલ્‍લેખનીય છે કે આ પહેલાં રાજ્‍યએ નવેમ્‍બર ૨૦૨૫માં એક વાઘણ લાવવાની યોજના જાહેર કરી હતી. જોકે, આ દરખાસ્‍ત મૌખિક ચર્ચા સુધી જ સીમિત રહી હતી અને કોઈ ઔપચારિક વિનંતી કરવામાં આવી નહોતી

(3:30 PM IST)