News of Saturday, 16th May 2026
લંડનના હીથ્રો એરપોર્ટ પર 'બેગેજ કટોકટી': ટેકનિકલ ખામીથી સેંકડો મુસાફરોના સામાન અટવાયા, 5-5 કલાકની લાંબી રાહ જોવડાવ્યા બાદ બેગ વિના જ ઘરે જવા ફરજ પડાતા મુસાફરો લાલચોળ
બ્રિટિશ એરવેઝના ટર્મિનલ-5 પર સામાનના પહાડો ખડકાયા; મુસાફરોની જાણ વગર જ સામાન વિના ફ્લાઇટ્સે ભરી ઉડાન, કોઈનું હનીમૂન તો કોઈનો બર્થડે બગડતાં એરલાઇન્સ સામે પ્રચંડ રોષ

લંડન: વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાં જેની ગણના થાય છે તેવા લંડનના હીથ્રો એરપોર્ટ (Heathrow Airport) પરથી મુસાફરોને ભારે હાલાકીમાં મૂકતી એક આઘાતજનક અને અંધાધૂંધીભરી ઘટના સામે આવી છે. એરપોર્ટના સામાન મેનેજમેન્ટ વિભાગમાં અચાનક સર્જાયેલી મોટી ટેકનિકલ ખામીના કારણે સેંકડો પ્રવાસીઓનો સામાન ટર્મિનલ-5 પર જ અટવાઈ પડ્યો હતો. આ ગંભીર બેદરકારીને કારણે મુસાફરોને એરપોર્ટ પર પોતાના સામાન માટે 5-5 કલાક સુધી કતારોમાં ઊભા રહીને રાહ જોવાની ફરજ પડી હતી, અને આખરે એરપોર્ટ સ્ટાફ દ્વારા મુસાફરોને તેમની બેગ વિના જ ખાલી હાથે ઘરે પરત ફરી જવા માટે કહી દેવામાં આવતા પ્રવાસીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર વાયરલ થયેલી તસવીરો અને વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હીથ્રો એરપોર્ટના ટર્મિનલ પર મુસાફરોના કિંમતી સામાન અને આવશ્યક ચીજવસ્તુઓથી ભરેલી બેગ્સના મોટા-મોટા પહાડો ખડકાયેલા પડ્યા છે.
સામાન નીચે જ રહી ગયો અને વિમાનોએ ઉડાન ભરી લીધી!
આ સમગ્ર અંધાધૂંધીમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, હીથ્રો એરપોર્ટ પરથી રવાના થનારી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ મુસાફરોનો સામાન પ્લેનમાં લોડ કર્યા વિના જ રવાના થઈ ગઈ હતી. એક નારાજ પ્રવાસીએ સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, તેણે પોતાની નજરે ટર્મિનલ-5 ના રેમ્પ પર પોતાનો સામાન વિમાનની બહાર જ પડેલો જોયો હતો. આ અંગે કેબિન ક્રૂને તાત્કાલિક જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નહીં અને પ્લેન સામાન વિના જ હવામાં ફ્લાય થઈ ગયું હતું.
પ્રવાસીઓના હનીમૂન અને જન્મદિવસની ઉજવણીઓ રોળાઈ
આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ઘોર બેદરકારીના કારણે અસંખ્ય પરિવારોના પ્રવાસના પ્લાનિંગ ચોપટ થઈ ગયા છે. ડેઝી નામની એક નવદંપતી મહિલાએ રડમસ અવાજે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, "અમે કોર્ફુ ખાતે અમારા હનીમૂન (Honeymoon) માટે આવ્યા છીએ અને બ્રિટિશ એરવેઝે અમારો સામાન ગુમાવી દીધો છે. છેલ્લા 15 વર્ષના પ્રવાસમાં મારી સાથે આવું ક્યારેય નથી થયું. કલાકો સુધી એરપોર્ટ પર કોઈ જ યોગ્ય સંવાદ કે મદદ મળી નથી." જ્યારે ડબલિન જઈ રહેલી એક દીકરીની માતાએ આક્ષેપ કર્યો કે તેની પુત્રીના 21મા જન્મદિવસની ઉજવણી માટે લાવેલી ખાસ ભેટો અને કપડાંની બેગ એરપોર્ટ પર જ છૂટી જતાં આખો ઉત્સવ બરબાદ થઈ ગયો છે.
ભારતના ચેન્નાઈ સુધી લંબાઈ અસર:
આ ટેકનિકલ ખામીની અસર માત્ર સ્થાનિક ફ્લાઇટ્સ પૂરતી સીમિત નથી રહી. લંડનથી ભારતના ચેન્નાઈ, ગ્લાસગો અને લાર્નાકા જતી લાંબી અંતરની ફ્લાઇટ્સના મુસાફરોએ પણ સોશિયલ મીડિયા પર ટૅગ કરીને મદદની ગુહારો લગાવી છે કે દિવસો વીતી જવા છતાં હજુ સુધી તેમના સામાનના કોઈ પત્તા મળ્યા નથી અને એરલાઇન્સની વેબસાઇટ્સ પણ ડાઉન થઈ ગઈ છે.
એરપોર્ટ પ્રવક્તા અને બ્રિટિશ એરવેઝે માંગી માફી
આ આખી ઘટના અંગે ભારે હોબાળો મચતા હીથ્રો એરપોર્ટના સત્તાવાર પ્રવક્તાએ નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, "ગઈકાલે ટર્મિનલ-5 પર સર્જાયેલી અણધારી ટેકનિકલ ખામીના લીધે આ વિક્ષેપ પડ્યો હતો, જેના માટે અમે તમામ મુસાફરોની ક્ષમા માંગીએ છીએ. હાલમાં સમસ્યા ઉકેલાઈ ગઈ છે."
બીજી તરફ, બ્રિટિશ એરવેઝના (British Airways) સત્તાધારીઓએ સ્પષ્ટતા કરી છે કે ભલે આ ખામી એરપોર્ટની સિસ્ટમની હતી અને તેમના નિયંત્રણ બહારની હતી, તેમ છતાં તેઓ પ્રવાસીઓની હાલાકી બદલ દિલગીર છે અને ગ્રાહકોનો સામાન શક્ય તેટલી વહેલી તકે તેમના ઘરના સરનામે કુરિયર દ્વારા પહોંચાડવા માટે ચોવીસ કલાક સખત મહેનત કરી રહ્યા છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
