<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

લંડન-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું હવામાં ટેકનિકલ ખામી બાદ હીથ્રો એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ: તમામ મુસાફરો સુરક્ષિત!

હવામાં જ પ્લેનમાં ખામી સર્જાતા પાઈલટોએ તુરંત વિમાન લંડન પરત વાળ્યું; મુસાફરો માટે હોટેલમાં રહેવાની અને વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરાઈ.

નવી દિલ્હી : લંડનથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગો એરલાઈન્સની એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં ટેકઓફ કર્યાના થોડા જ સમયમાં હવામાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા વિમાનનું લંડનના હીથ્રો એરપોર્ટ પર કટોકટીભર્યું (ઈમરજન્સી) લેન્ડિંગ કરાવવું પડ્યું છે. આ ઘટના ૨૨ સપ્ટેમ્બરના રોજ બની હતી. સદનસીબે, પાઈલટોની સમયસૂચકતા અને સ્થાપિત સુરક્ષા પ્રોટોકોલને કારણે મોટો અકસ્માત ટળ્યો છે અને વિમાનમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે.


પાઈલટે પ્રોટોકોલ મુજબ વિમાન પરત વાળવાનો નિર્ણય લીધો
ઈન્ડિગોના પ્રવક્તા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, લંડનથી દિલ્હી માટે ઉડાન ભર્યા બાદ મધ્ય-હવામાં વિમાનમાં વિમાનચાલકોને ટેકનિકલ ખામી હોવાનો અહેસાસ થયો હતો. સુરક્ષાના પગલે પાઈલટ-ઈન-કમાન્ડે તુરંત જ નિયમો અનુસાર વિમાનને આગળ લઈ જવાના બદલે લંડન હીથ્રો એરપોર્ટ પર પરત વાળવાનો નિર્ણય લીધો હતો.

હાલમાં આ વિમાનને ગ્રાઉન્ડ કરીને મેન્ટેનન્સ ચેકિંગ હેઠળ રાખવામાં આવ્યું છે. તમામ જરૂરી ટેકનિકલ મંજૂરીઓ અને ક્લિયરન્સ મળ્યા બાદ જ તેને ફરીથી ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે.


મુસાફરો માટે હોટેલ અને વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા
એરલાઈને મુસાફરોને પડેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું કે, "અમે અમારા ગ્રાહકોને પડેલી તકલીફ ઓછી કરવા તમામ શક્ય પ્રયાસો કર્યા છે. તમામ મુસાફરો માટે લંડનમાં હોટેલમાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને આગામી ઉપલબ્ધ ફ્લાઈટ્સમાં દિલ્હી પહોંચાડવા માટે સીટોનું એલોકેશન કરવામાં આવી રહ્યું છે."


તાજેતરમાં જ દિલ્હીમાં એલાયન્સ એરનું એક એન્જિન ફેલ થતાં લેન્ડિંગ કરવું પડ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાં ફ્લાઈટમાં ખામી સર્જાવવાની આ પ્રથમ ઘટના નથી. તાજેતરમાં ૧૧ સપ્ટેમ્બરના રોજ બિલાસપુર-પ્રયાગરાજ-દિલ્હી રૂટ પર ચાલતી એલાયન્સ એરની ફ્લાઈટ (ATR 72-600) ના ડાબા એન્જિનમાં ઓઈલનું દબાણ ઘટી જતાં દિલ્હી એરપોર્ટ પર પ્રાયોરિટી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. તે ફ્લાઈટમાં ૪૦ મુસાફરો અને ૪ ક્રૂ સભ્યો સવાર હતા, જેમને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

(6:12 PM IST)