તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
લોકસભાની બેઠકો 543થી વધીને 850 થઈ શકે છે : કેન્દ્ર સરકારે નવા બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો
દેશમાં વધતી વસ્તી અને પરિસીમનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સંસદમાં લાવી શકે છે ઐતિહાસિક સુધારો : જો બિલ પાસ થાય તો 2029ની ચૂંટણી નવા માળખા મુજબ યોજાય તેવી શક્યતા

નવી દિલ્હી તા.૧૪
દેશના રાજકીય માળખામાં મોટો બદલાવ આવી શકે છે. કેન્દ્ર સરકાર લોકસભાની બેઠકોની સંખ્યા હાલની 543થી વધારીને 850 કરવા માટે એક નવું બિલ તૈયાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વધતી જતી વસ્તી અને વર્ષોથી પેન્ડિંગ પરિસીમનની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવી શકે છે.
બંધારણીય જોગવાઈ મુજબ, 1971ની વસ્તી ગણતરીના આધારે લોકસભાની બેઠકો નક્કી કરવામાં આવી હતી અને 2001 સુધી તે ફ્રીઝ રાખવામાં આવી હતી. ત્યારબાદ 2026 સુધી પરિસીમન મોકૂફ રાખવામાં આવ્યું હતું. હવે 2026 બાદ વસ્તીના આધારે નવી બેઠકો નક્કી કરવાનો રસ્તો ખુલી જશે. સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા બિલના ડ્રાફ્ટમાં દેશભરમાં લોકસભાની કુલ 850 બેઠકો કરવાની દરખાસ્ત છે.
જો આ બિલ સંસદમાં પાસ થઈ જાય તો દેશના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ શકે છે. રાજ્યોની બેઠકોમાં પણ મોટો ફેરફાર થશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન જેવા વધુ વસ્તીવાળા રાજ્યોને નવી બેઠકોનો મોટો ફાયદો મળી શકે છે. ગુજરાતની બેઠકો પણ હાલની 26થી વધીને નવા માળખામાં વધી શકે છે.
સરકાર આ બિલને સંસદના આગામી સત્રમાં રજૂ કરે તેવી શક્યતા છે. જો બિલ પાસ થાય અને પરિસીમન આયોગની રચના થાય તો 2029ની લોકસભા ચૂંટણી 850 બેઠકો સાથે યોજાઈ શકે છે. નવા બિલને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે અને વિપક્ષની પ્રતિક્રિયાની પણ રાહ જોવાઈ રહી છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
