તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના સમર્થનમાં મુકી ત્રણ મુખ્ય માંગણીઓ : NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની કરી માંગ : જુઓ વિડિયો
છેલ્લા ૧૦ વર્ષમાં ૧૫૨ પેપર લીક થયા પણ એક પણ સજા કે દોષસિદ્ધિ થઈ નથી - દેશની શિક્ષણ વ્યવસ્થા તબાહ થઈ ચૂકી હોવાનો રાહુલ ગાંધીનો આક્ષેપ : પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માફી માંગે

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે, ૨૨ જુલાઈના રોજ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રદર્શનકારી વિદ્યાર્થીઓના સમર્થનમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષી નેતાએ દેશમાં કથિત NEET પેપર લીકના વિરોધમાં અને દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો વચ્ચે ત્રણ મુખ્ય માંગણીઓ સરકાર સામે મૂકી હતી. રાહુલ ગાંધીએ પ્રથમ અને સૌથી મુખ્ય માંગણી રજૂ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આ પદ સંભાળવા માટે તદ્દન અસમર્થ છે, તેથી તેમને તાત્કાલિક પદ પરથી દૂર કરવા જોઈએ અથવા તેઓ રાજીનામું આપે.
વિદ્યાર્થીઓ પર હુમલો કરનારાઓ સામે કાર્યવાહી થાય અને વડાપ્રધાન માફી માંગે:
રાહુલ ગાંધીએ ધર્મેન્દ્ર પ્રધાન અને NEET પેપર લીક સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનો સંપૂર્ણ પક્ષ લીધો હતો. ૨૦ જુલાઈના રોજ CJP દ્વારા આયોજિત 'ચલો સંસદ' માર્ચ દરમિયાન પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલી હિંસા અને દમનનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે માંગણી કરી હતી કે જે પણ સુરક્ષા અધિકારીઓ અથવા લોકોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો છે અને તેમને માર માર્યો છે, તેમની સામે જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે થયેલા આ દુર્વ્યવહાર બદલ સભ્યતા દાખવીને તેમની માફી માંગવી જોઈએ.
૧૦ વર્ષમાં ૧૫૨ પેપર લીક, પણ સજા એકેયમાં નહીં: દેશની શિક્ષણ વ્યવસ્થા ખોખલી થઈ:
કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં દેશમાં ૧૫૨ પેપર લીકની ઘટનાઓ બની છે, એટલે કે સરેરાશ દર મહિને એક પેપર લીક થાય છે. આટલી મોટી સંખ્યામાં પેપર લીક થવા છતાં અત્યાર સુધીમાં એક પણ કેસમાં કોઈને સજા કે દોષસિદ્ધિ (Zero Conviction) થઈ નથી. કેટલાંક લોકો અથવા જૂથો દ્વારા ભારતની સૌથી કિંમતી સંપત્તિ એવી શિક્ષણ વ્યવસ્થાને નષ્ટ કરી દેવામાં આવી છે અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરી નાખવામાં આવ્યું છે. સરકારની આવી નિષ્ક્રિયતા જ યુવાનો અને વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા માટે મજબૂર કરી રહી છે.
'ચલો સંસદ' માર્ચમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરાયો:
૨૦ જુલાઈના રોજ નિર્દોષ અને શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ પર કરાયેલી કાર્યવાહી અંગે બોલતા તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓએ એવો તો કયો ગુનો કર્યો હતો કે સુરક્ષાદળોએ તેમના પર હથિયારો તાક્યા, તેમને ઢોર માર માર્યો અને અપમાનિત કર્યા? વિદ્યાર્થીઓ કોઈ ગુનો નહોતા કરી રહ્યા, તેઓ માત્ર દેશમાં એક વાજબી, યોગ્ય અને કાર્યક્ષમ શિક્ષણ વ્યવસ્થાની માંગણી કરી રહ્યા હતા. દેશની શિક્ષણ વ્યવસ્થા જે ક્યારેક વિશ્વની શ્રેષ્ઠ વ્યવસ્થાઓમાં ગણાતી હતી, તે આજે સંપૂર્ણપણે ધાંધલીયુક્ત અને 'રિગ્ડ' બની ગઈ છે. લાખો વિદ્યાર્થીઓ રાત-દિવસ સખત માનસિક તણાવમાંથી પસાર થઈને પરીક્ષાની તૈયારી કરે છે અને છેલ્લી ઘડીએ પેપર લીક થવાના સમાચાર મળે છે, જેના કારણે માનસિક ત્રાસ સહન ન થતાં કેટલાય બાળકોએ આત્મહત્યાઓ કરી લીધી છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
