<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

લો કર લો બાતઃ ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં પ્રથમ દિવસે જ CBIના વકિલ રહ્યા ગેરહાજર

પ્રથમ ગ્રાસે મક્ષિકા : નીટ મામલે સુનાવણી થઇ ન શકીઃ હવે ૩ ઓગસ્‍ટે

 

નવી દિલ્‍હી તા.૨૭: NEET પેપર લીક મામલે સુનાવણી માટે રચાયેલી ફાસ્‍ટ ટ્રેક કોર્ટ તેની સુનાવણીનો પહેલો દિવસ રાખી શકી નહીં. સોમવારે કાર્યવાહી દરમિયાન CBI તરફથી કોઈ વકીલ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. આ પછી, કોર્ટે સુનાવણી મુલતવી રાખી.

રાઉઝ એવન્‍યુ કોર્ટે પ્રોસિક્‍યુશન ડિરેક્‍ટરને NEET પેપર લીક કેસનું પ્રતિનિધિત્‍વ કરવા માટે સરકારી વકીલની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્‍યો, જેથી આગળની કાર્યવાહીમાં અવરોધ ન આવે. સોમવારે, આ કેસના આરોપી વિકાસ અને દિનેશ બિવલની જામીન અરજીઓ પણ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી હતી, પરંતુ CBI તરફથી વકીલની ગેરહાજરીને કારણે તેમની સુનાવણી થઈ શકી ન હતી. આ કેસમાં આગામી સુનાવણી હવે ૩ ઓગસ્‍ટના રોજ રાઉઝ એવન્‍યુ કોર્ટમાં થશે. કોર્ટે આશા વ્‍યક્‍ત કરી છે કે આગામી તારીખે ફરિયાદ પક્ષ દ્વારા સરકારી વકીલની નિમણૂક કરવામાં આવશે અને કેસ આગળ વધી શકશે.

શરૂઆતમાં, NEET પેપર લીક, પરીક્ષા પ્રણાલીમાં અનિયમિતતાઓ અને શિક્ષણ સંબંધિત વિવિધ મુદ્દાઓને લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્‍હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. લગભગ દોઢ મહિના સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા પછી, પીએમ મોદીએ તાજેતરમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે ઇન્‍સ્‍ટાગ્રામ પર લાઇવ થઈને પેપર લીક કેસની ફાસ્‍ટ-ટ્રેક કોર્ટમાં સુનાવણી થઈ રહી છે તે અંગે વાત કરી.

પીએમ મોદીએ આ જાહેરાતને શિક્ષણ સુધારા તરફ એક મુખ્‍ય પગલું તરીકે રજૂ કરી. તેમણે કહ્યું કે ભારત સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્‍ય માટે સતત અનેક પગલાં લઈ રહી છે. જે લોકોએ વિદ્યાર્થીઓના ભવિષ્‍ય સાથે ચેડા કર્યા છે તેઓ જેલમાં સડી રહ્યા છે.' તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે અમે ફાસ્‍ટ-ટ્રેક કોર્ટની સ્‍થાપના કરી છે અને સંસદમાં કડક જોગવાઈઓ સાથે નવો કાયદો ઘડી રહ્યા છીએ. પરંતુ આપણે ભવિષ્‍ય વિશે વિચારવું જોઈએ.

પેપર લીક અટકાવવા માટે લોકસભામાં રજૂ કરાયેલા સુધારા બિલમાં ચાર્જશીટ દાખલ કર્યાના ત્રણ મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવાની જોગવાઈ પણ શામેલ છે. જો કે, આવું કરવાના પ્રયાસોનો અભાવ જણાય છે, કારણ કે ફાસ્‍ટ-ટ્રેક કોર્ટમાં કાર્યવાહી પહેલા જ દિવસે ખોરવાઈ ગઈ હતી જ્‍યારે સીબીઆઈના વકીલ હાજર ન થયા. કોર્ટે હવે આગામી સુનાવણી માટે ૩ ઓગસ્‍ટની તારીખ નક્કી કરી છે.(૩૮

(3:39 PM IST)