News of Sunday, 4th October 2026
છત્તીસગઢના રાજકારણમાં એલજેપીની ધમાકેદાર એન્ટ્રી: ચિરાગ પાસવાને રાયપુરમાં કરી મોટી જાહેરાત
રાયપુરમાં યુવા સંવાદ કાર્યક્રમમાં કિંગમેકર ચિરાગ પાસવાનનો હૂંકાર : ટૂંક સમયમાં રાજ્ય એકમની રચના કરી આગામી ચૂંટણીઓમાં રાજકીય હાજરી બતાવશે LJP : મતદાર યાદી સુધારણા અને EVM ના મુદ્દે કૉંગ્રેસ પર કર્યા તીખા પ્રહારો

રાયપુર : બિહારના રાજકારણમાં મજબૂત પકડ ધરાવતા લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને હવે છત્તીસગઢના રાજકીય મેદાનમાં ઝંપલાવવાની મોટી ઘોષણા કરી છે. રાયપુર એરપોર્ટ પર કાર્યકરોના ભવ્ય અને ઉષ્માભર્યા સ્વાગત બાદ યોજાયેલા ‘યુવા સંવાદ’ કાર્યક્રમ દરમિયાન ચિરાગ પાસવાને પાર્ટીની ભાવિ રણનીતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે લોક જનશક્તિ પાર્ટી ટૂંક સમયમાં જ છત્તીસગઢમાં પોતાનું સંગઠનાત્મક રાજ્ય એકમ સ્થાપિત કરશે અને હોદ્દેદારોની નિમણૂક કરીને આગામી સ્થાનિક અને વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટી પોતાની મજબૂત રાજકીય હાજરીનો અહેસાસ કરાવશે.
યુવાનો સાથે સીધો સંવાદ સાધીને રાજ્યના રાજકારણમાં નવો વિકલ્પ બનવાના સંકેત આપતાં ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, કોઈપણ રાજ્યના નિર્માણમાં યુવા શક્તિની ભૂમિકા સર્વોપરી હોય છે અને LJP છત્તીસગઢના યુવાનોના મુદ્દાઓને વાચા આપવા માટે પ્રતિબદ્ધ છે. ચૂંટણી ગઠબંધન અંગે પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય એકમની રચના બાદ સ્થાનિક નેતૃત્વ અને સમયની માંગ મુજબ ભાજપ સાથે ગઠબંધન કે સ્વતંત્ર લડાઈ અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે. પાર્ટી હાલમાં અન્ય રાજ્યોની જેમ છત્તીસગઢમાં પણ પોતાના મૂળિયાં ઊંડાં કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આ જ કાર્યક્રમ દરમિયાન ચિરાગ પાસવાને વિપક્ષી પાર્ટી કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સમરી ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અને EVM અંગે કૉંગ્રેસ દ્વારા ઉઠાવાતા સવાલો સામે વળતો પ્રહાર કરતાં તેમણે પૂછ્યું હતું કે, જો કૉંગ્રેસને દેશની ચૂંટણી પ્રક્રિયા અને સંસ્થાઓ પર વિશ્વાસ ન હોય તો શું તેઓ હિમાચલ પ્રદેશ કે અન્ય રાજ્યોમાં ચૂંટણી લડવાનું બંધ કરી દેશે? તેમણે ઉમેર્યું હતું કે SIR પ્રક્રિયામાં રદ્દ થયેલા નામો કોઈ સામાન્ય મતદારોના નહોતા પરંતુ ગેરરીતિ ધરાવતા હતા, જો સામાન્ય લોકોના નામ કપાતા હોત તો જનઆંદોલન થઈ ગયું હોત. વિપક્ષ ફક્ત થોડા દિવસો પબ્લિસિટી માટે આવા મુદ્દાઓ ઉછાળીને બાદમાં શાંત થઈ જતો હોય છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
