તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
ટ્રેનમાં મોબાઇલમાં સ્પીકર પર મ્યુઝીક સાંભળવું કે વીડિયો જોવા ભારે પડશે
નિયમ તોડનારને ૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ અને જેલની સજા થઇ શકે : એસી કોચમાં ફોન પર મોટા અવાજે વાતચીત, રિંગટોન અને સ્પીકર પર વગાડવામાં આવતો ઑડિયો સહપ્રવાસીઓ માટે મુશ્કેલી સર્જે છે

નવી દિલ્હી,તા.૧૭: ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મોબાઇલ પર મોટા અવાજે રીલ્સ, ફિલ્મો કે કાર્ટૂન જોવાં અથવા સ્પીકર ચાલુ રાખીને ફોન પર લાંબી વાતો કરવી હવે મુસાફરોને ભારે પડી શકે છે. સહપ્રવાસીઓને અવાજથી થતી પરેશાની અટકાવવા રેલવેએ ટ્રેન અને રેલવે પરિસરમાં મોટા અવાજે ઑડિયો વગાડવા તથા સ્પીકર મોડ પર વાતચીત કરવા સામે કડક વલણ અપનાવવાની ચેતવણી આપી છે. મુસાફરોને ઇયરફોનનો ઉપયોગ કરવા અને ફોન પર ધીમા અવાજે વાત કરવાની સલાહ આપવામાં આવી છે. નિયમોનો ભંગ કરનારને ૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા ૬ મહિના સુધીની જેલ થઈ શકે છે. ખાસ કરીને એસી કોચ જેવા બંધ વાતાવરણમાં અન્ય મુસાફરોને થતી અસુવિધા દૂર કરવા આ પગલાં પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
રેલવે દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફોન પર લાંબા સમય સુધી મોટા અવાજે વાત કરવી, હેરાન કરે તેવી રિગટોન વગાડવી અને હેડફોન વિના સંગીત કે વીડિયોનો અવાજ ચાલુ રાખવો અન્ય મુસાફરો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. એસી કોચ જેવા પ્રમાણમાં શાંત વાતાવરણમાં આવી પ્રવૃત્તિઓથી થતી ખલેલ વધુ અનુભવાય છે.
રેલવે કર્મચારીઓને મુસાફરોમાં આ અંગે જાગૃતિ ફેલાવવા અને નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. મુસાફરી દરમિયાન સૌને આરામદાયક વાતાવરણ મળે અને જાહેર સ્થળોએ શિસ્ત જળવાય તે આ પગલાંનો મુખ્ય હેતુ છે.
ટ્રેનમાં મોટા અવાજે મોબાઇલનો ઉપયોગ કરવાની સમસ્યા નવી નથી. અહેવાલમાં જણાવ્યા મુજબ, રેલવે બોર્ડે વર્ષ ૨૦૧૨માં જ રેલવેના વિવિધ ઝોનને આ પ્રથા પર અંકુશ મૂકવા જણાવ્યું હતું. જોકે, અનેક વિસ્તારોમાં આ પગલાંની અસર ખાસ જોવા મળી ન હતી. અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે કે આ વર્ષે જન વિશ્વાસ અધિનિયમ હેઠળ થયેલા ફેરફારોને પગલે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
મુસાફરોએ કડક કાર્યવાહી કરવાની પહેલને આવકારી છે, પરંતુ તેમનું કહેવું છે કે દંડની જોગવાઈ ત્યારે જ અસરકારક સાબિત થશે, જ્યારે નિયમોનો સતત અને સમાન રીતે અમલ કરવામાં આવે તથા મુસાફરોને તેની પૂરતી જાણકારી આપવામાં આવે.
વારંવાર ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના જણાવ્યા મુજબ, મોબાઇલના સ્પીકર પર ફિલ્મો, ટેલિવિઝન સિરિયલો અને સોશિયલ મીડિયા રીલ્સ જોવાથી આખા કોચમાં અવાજ ફેલાય છે. કેટલાક મુસાફરો પોતાનાં બાળકોને પણ ઇયરફોન વિના કાર્ટૂન જોવાની છૂટ આપે છે, જેના કારણે કોચમાં ઘોંઘાટ વધે છે.
એક મુસાફરે જણાવ્યું હતું કે એસી કોચમાં મોટા અવાજે વાતચીત અને ફોનમાંથી આવતો ઑડિયો ખાસ કરીને વધુ પરેશાન કરે છે. આવા કોચમાં સામાન્ય રીતે શાંતિ હોવાથી આ પ્રકારનો અવાજ વધુ ધ્યાન ખેંચે છે. તેમણે એ પણ ધ્યાન દોર્યું હતું કે દરેક વખતે ફરિયાદ કરવી મુસાફરો માટે સરળ નથી, ખાસ કરીને મોડી રાત્રે અવાજ શરૂ થાય ત્યારે.
કોઝિકોડ અને તિરુવનંતપુરમ વચ્ચે વારંવાર મુસાફરી કરતાં શ્રીજા હરિએ વંદે ભારત ટ્રેનના કોચમાં બનેલો એક અનુભવ જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોચના અલગ અલગ ભાગમાં ત્રણ મુસાફરો પોતાના મોબાઇલ ફોન સ્પીકર મોડ પર વાપરી રહ્યા હતા. આ અંગે તેમણે પ્રવાસ દરમિયાન ટીટીઇને ફરિયાદ કરી હતી. નકશાજુઓ
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે જો કોઈ મુસાફરને સતત મોટા અવાજને કારણે મુશ્કેલી પડતી હોય, તો તે રેલવે કર્મચારીઓને જાણ કરી શકે છે અથવા રેલમદદ દ્વારા ફરિયાદ નોંધાવી શકે છે. રેલવેની સલાહ મુજબ, મોબાઇલ પર ઑડિયો સાંભળતી વખતે ઇયરફોનનો ઉપયોગ કરવો, ફોન પરની વાતચીત ટૂંકી રાખવી અને યોગ્ય અવાજે વાત કરવી જોઈએ. આટલી કાળજી રાખવાથી સહપ્રવાસીઓને થતી અસુવિધા ઘટાડી શકાય છે અને દરેકની મુસાફરી વધુ આરામદાયક બની શકે છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
