News of Tuesday, 28th July 2026
અમેરિકન્સે દારૂ પીવાનું ઓછું કરતાં લીકર કંપનીઓ ભીંસમાં
મોંઘવારી ઉપરાંત સ્વાસ્થ્ય પ્રત્યે વધેલી સભાનતા દારૂની ડિમાન્ડ ઘટવા પાછળ કારણભૂત

પોર્ટલેન્ડ,તા.૨૮: હજુ થોડા દિવસો પહેલા જ પોર્ટલેન્ડમાં એક ફેમસ લીકર બ્રાંડ એવિએશન અમેરિકન જિનની ડિસ્ટિલરીને તાળું વાગી ગયું તે વાત અમેરિકન મીડિયામાં ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી. આમ તો યુએસમાં રહેતા ઘણા ગુજરાતીઓ પોતાના લીકર સ્ટોર્સ ધરાવે છે અને તેમાં સારી એવી કમાણી પણ કરે છે, પરંતુ હવે અમેરિકામાં આ ધંધાના વળતા પાણી શરૂ થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણકે, અમેરિકન્સ હવે દારૂ પીવાનું ઓછું કરી રહ્યા છે.
કોવિડ પેન્ડેમિક બાદ હેલ્થ કોન્શિયસ અમેરિકન્સ દારૂથી અંતર જાળવી રહ્યા છે અને યંગ જનરેશનમાં પણ તેનું કન્ઝમ્પ્શન નોંધપાત્ર રીતે ઓછું થયું છે. આ ઉપરાંત મોંઘવારીને કારણે પણ લોકો દારૂ પીવાનું ઓછું કરી રહ્યા છે. જેના કારણે ખાસ્સી જાણીતી અમુક લીકર બ્રાન્ડ્સ માટે પણ પોતાના કસ્ટમર્સની બદલાતી આદતો વચ્ચે ધંધો ટકાવી રાખવાનું મુશ્કેલ બની રહ્યું છે.
એવિએશન અમેરિકન જિનની ગણના પ્રિમિયમ જિમ બ્રાંડ તરીકે થતી હતી અને હોલીવુડના એક્ટર રાયન રેનોલ્ડ્સનું નામ તેની સાથે સંકળાયેલું હતું. હજુ ચાર વર્ષ પહેલા જ કંપનીએ પોર્ટલેન્ડમાં ડિસ્લિટરી અને વિઝિટર સેન્ટર ઉભા કર્યા હતા પણ હવે તેમનું કામકાજ સમેટવામાં આવી રહ્યું છે. અમેરિકન જિનની પેરન્ટ કંપની ડિએગોનું કહેવું છે કે બિઝનેસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કંપની તેનું પ્રોડક્શન બીજી ફેસિલિટીઝમાં કરશે. આ ડિસ્લિટરી ઓપન થઈ ત્યારે રાયન રેનોલ્ડ્સે તેને ડિઝનીલેન્ડ ફોર એડલ્ટ્સ તરીકે ઓળખાવી હતી, જ્યાં વિઝિટર્સ પોતાની નજર સામે દારૂ બનતો જોઈ શકતા હતા અને તેની પ્રોસેસમાં સામેલ થવાની પણ તેમને છૂટ હતી.
અમેરિકામાં લીકર ઈન્ડસ્ટ્રી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે, ડીએગોએ પોતાના લેટેસ્ટ ક્વાર્ટરલી રિપોર્ટમાં જણાવ્યું તું કે ગયા વર્ષની સરખામણીએ નોર્થ અમેરિકામાં તેનું વેચાણ ૧૦ ટકા જેટલું ઓછું થયું છે. આ પહેલા જેક ડેનિયલ્સ વ્હીસ્કી બનાવતી બ્રાઉન-ફોરમેને ધંધો ઓછો થઈ જતાં ગયા વર્ષે ૧૨ ટકા કર્મચારીઓને ઘરભેગાં કરી દીધા હતા. દારૂની સાથે બીયરની ડિમાન્ડ પણ ઘટી જતાં ડચ કંપની હાયનેકને હજારો જોબ્સ પર કાપ મૂકવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેમાં વાંક કંપનીઓનો નથી, કારણકે અમેરિકાના લોકોએ જ દારૂ પીવાનું ઓછું કરી નાખતા તેની ડિમાન્ડમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, કેટલીક મોટી કંપનીઓ બદલાતા જતા ટ્રેન્ડને દસ વર્ષ પહેલા જ પારખી ચૂકી હતી અને તે અનુસાર તેમણે પોતાનો બિઝનેસ રિસ્ટ્રક્ચર કરવાનું શરૂ કરી દીધું હતું.
ગોલઅપ નામની એક સરવે કંપની ૧૯૩૯થી અમેરિકન્સની દારૂ પીવાની આદત પર સરવે કરી રહી છે, તેના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૨૨ની સરખામણીએ દારૂ પીનારા લોકોની સંખ્યામાં ૧૦ ટકા જેટલો મસમોટો ઘટાડો નોંધાયો છે, જેમાં ખાસ તો યંગ અમેરિકન્સ દારૂ નથી પીતા. ગોલઅપના લેટેસ્ટ સરવેમાં ભાગ લેનારા ૫૪ ટકા અમેરિકન્સે જણાવ્યું હતું કે તેઓ દારૂ નથી પીતા અને આ આંકડો છેલ્લા ૬૭ વર્ષની ટોચ પર પહોંચી ગયો છે. જેન જી અને વર્ષ ૨૦૦૦ પછી જન્મેલા લોકો હવે પોતાની અગાઉની જનરેશન કરતા ઓછો દારૂ પીએ છે અને મોટાભાગના યંગ એડલ્ટ્સનું માનવું છે કે આલ્કોહોલ ખૂબ જ મોંઘો થઈ ગયો છે અને તેમાંય મોટા શહેરોમાં તો કોકટેલની કિમત અતિશય વધી ગઈ હોવાથી તેને અફોર્ડ કરી શકાય તેમ નથી.
અમેરિકામાં કોકટેલની એવરેજ કોસ્ટ ૧૩ ડોલર સુધી પહોંચી ગઈ છે તેવું માર્કેટ રિસર્ચ ફર્મ ટેકનોમિકનું કહેવું છે, ન્યૂયોર્ક જેવા મોટા શહેરોમાં તો ટેક્સ અને ટિપ્સને બાદ કરતા તેના માટે ૧૮-૨૦ ડોલર ચૂકવવા પડી શકે છે. અમેરિકાના મોટાભાગના યંગસ્ટર્સ નોકરીઓ શોધવા ફાંફા મારી રહ્યા છે, મકાનોનાં ભાડાં પોસાય એવા નથી રહ્યા અને ગ્રોસરી સહિતની ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે તેવામાં યંગ જનરેશન પાસે દારૂ પીવાના પૈસા નથી બચતા.
જોકે, પૈસાની સાથે-સાથે હેલ્થને ધ્યાનમાં રાખતા પણ લોકોએ દારૂ પીવાનું ઓછું કરી દીધું છે. દારૂ પીવાથી અમુક પ્રકારના કેન્સર, લીવરની બીમારી, હ્રદયની તકલીફ ઉપરાંત સ્લીપ ડિસોર્ડર થવાની શક્યતા હોવાથી લોકો દારૂ આગળ દૂરથી જ હાથ જોડી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકામાં વજન ઓછું કરવાની અને શુગરની દવાઓ લેનારા લોકોની સંખ્યા વધી છે, આ દવાને કારણે ભૂખ તો ઓછી લાગે જ છે પરંતુ સાથે જ દારૂ પીવાની ઈચ્છા પણ ઘટી જતી હોવાથી આલ્કોહોલની ડિમાન્ડ ઘટી રહી છે.
કસ્ટમર્સની ડિમાન્ડને ધ્યાનમાં રાખતા હવે બાર્સ અને રેસ્ટોરાં આલ્કોહોલ-ફ્રી મેનૂ ઓફર કરતા થઈ ગયા છે અને સાથે જ નોન-આલ્કોહોલિક બેવરેજિસનું માર્કેટ પણ ઝડપથી વધી રહ્યું છે. નવાઈની વાત એ છે કે એક તરફ દારૂનું વેચાણ ઘટી રહ્યું છે તો બીજી તરફ આલ્કોહોલ ફ્રી બીયર, વાઈન અને સ્પિરિટ્સની ડિમાન્ડમાં ૨૨ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત મોટાભાગના સ્ટેટ્સમાં ગાંજો લીગલ કરી દેવાયો હોવાથી લોકોમાં આલ્કોહોલિક બેવરેજિસને બદલે અન્ય નશીલા પદાર્થોની ડિમાન્ડ વધી રહી છે. અમેરિકામાં જે ઈન્ડિયન્સ હાલ પોતાના લીકર સ્ટોર્સ લઈને બેઠા છે તેમણે પણ માર્કેટમાં જોવા મળી રહેલા આ ટ્રેન્ડના આધારે પોતાના બિઝનેસમાં ફેરફાર કરવા પડશે નહીંતર ભવિષ્યમાં તેમને મોટું નુક્સાન ભોગવવું પડી શકે છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
