News of Thursday, 8th October 2026
દિલ્હીમાં ૯ અને ૧૦ ઓક્ટોબરે દારૂબંધી: દેખાવો પહેલાં રેખા સરકાર અને આબકારી વિભાગનો મોટો નિર્ણય
મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષના પ્રસ્તાવિત પ્રદર્શનને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા આબકારી વિભાગનો આદેશ : તમામ છૂટક દારૂની દુકાનો અને બાર બંધ રહેશે

નવી દિલ્હી: દિલ્હી પોલીસે આપેલા ચોક્કસ ઇનપુટ્સ અને રાજધાનીની વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ૯ અને ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સમગ્ર દિલ્હીમાં તમામ દારૂની છૂટક દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર વ્યવસ્થા, શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાના હેતુસર સાવચેતીના પગલા તરીકે દિલ્હીના આબકારી વિભાગે એક સત્તાવાર આદેશ જારી કરીને L6, L6FG, L8, L10, L14 સહિતની વિવિધ લાયસન્સ શ્રેણીઓ હેઠળ આવતી દારૂની તમામ દુકાનો બે દિવસ માટે બંધ રાખવા સૂચના આપી છે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ૧૦ ઓક્ટોબરે વિરોધ પક્ષો દ્વારા દિલ્હીમાં કરવામાં આવનારું મોટું વિરોધ પ્રદર્શન છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો અને 'CJP' દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ચાલતા વિવાદ વચ્ચે રાજધાનીમાં હાઇ-વોલ્ટેજ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. સંભવિત અશાંતિ અને ભીડને અંકુશમાં રાખવા માટે દિલ્હી પોલીસે અગાઉથી જ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે અને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના પોલીસ દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
આબકારી વિભાગના કડક આદેશ બાદ ૯ અને ૧૦ ઓક્ટોબરના દિવસોને 'ડ્રાય ડે' તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે રાજધાનીમાં કોઈ પણ કાયદેસર વાઇન શોપ કે બાર ખુલ્લા રહી શકશે નહીં. પોલીસ વહીવટીતંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની અફવા ફેલાવનારા કે નિયમોનો ભંગ કરનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વહીવટીતંત્રે કાયદાના અમલીકરણ અને સુરક્ષા બાબતે કોઈ પણ જાતનું જોખમ ન લેવાનું વલણ અપનાવ્યું છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
