તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
બિહારમાં દારૂબંધીના ધજાગરા: નેહા બાદ હવે પટનામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી રિયા વિદેશી દારૂના જથ્થા સાથે ઝબ્બે, દારૂ માફિયાઓએ યુવતીઓને બનાવી ‘કેરિયર’
રૂપિયાની લાલચમાં વિદ્યાર્થિની યુપીથી ટ્રેનમાં દારૂની બોટલો લાવીને પટના જંકશન બહાર બાઈક પર રવાના થતાં જ પોલીસે દબોચી; તસ્કરીનું લેટેસ્ટ નેટવર્ક સામે આવતાં ચકચાર

પટના, તા. ૦૯: બિહારમાં કાગળ પર કડક દારૂબંધી હોવા છતાં દારૂ માફિયાઓ પોલીસને ચકમો આપવા માટે અવનવા અને ચોંકાવનારા કીમિયા અપનાવી રહ્યા છે. સમસ્તીપુરમાંથી હાઈપ્રોફાઈલ નેહા નામની યુવતીની ધરપકડના ગણતરીના દિવસોમાં જ હવે રાજધાની પટનામાંથી 'રિયા' નામની વધુ એક યુવતી વિદેશી દારૂના મોટો જથ્થા સાથે પકડાઈ જતાં ખળભળાટ મચી ગયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલી યુવતી કોઈ રીઢો ગુનેગાર નથી પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી હોનહાર વિદ્યાર્થિની છે, જે માત્ર ઝડપી પૈસા કમાવાની ઘેલછામાં આ ગેરકાયદે ધંધામાં હોમાઈ ગઈ હતી.
પટના જંકશન બહાર ફિલ્મી ઢબે વોચ ગોઠવીને દબોચી:
આ સનસનાટીભરી ઘટના પટનાના કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. કોટવાલીના એએસપી કૃષ્ણ મુરારી પ્રસાદને ચોક્કસ બાતમી મળી હતી કે યુપીથી આવતી ટ્રેન મારફતે પટના જંકશન આસપાસ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય થવાનો છે. પોલીસે તાત્કાલિક પટના જંકશન બહાર કડક વિઝિબિલિટી અને વોચ ગોઠવી દીધી હતી. ઉત્તર પ્રદેશથી ટ્રેનમાંથી ઊતરીને ભારે શોલ્ડર બેગ અને હેન્ડબેગ સાથે બહાર નીકળેલી રિયા જેવી જ એક બાઇક પર સવાર થઈને ભાગવા ગઈ, ત્યારે જ પોલીસે શંકાના આધારે તેને ઘેરી લીધી હતી.
અડધા ડઝનથી વધુ બ્રાન્ડેડ બોટલો જપ્ત:
પોલીસે રિયાના કબ્જામાંથી મળેલા લેડીઝ હેન્ડબેગ અને ટ્રેવલિંગ બેગની તલાશી લેતાં તેમાંથી અંદાજે રૂ. ૧૪,૦૦૦ની કિંમતની બ્રાન્ડેડ વિદેશી દારૂની અડધા ડઝનથી વધુ મોંઘી બોટલો મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં મધ્યમવર્ગીય પરિવારની આ વિદ્યાર્થિનીએ કબૂલાત કરી હતી કે તેણે પોતાના અભ્યાસ અને મોજશોખના ખર્ચા કાઢવા પૈસાની લાલચમાં આવીને પ્રથમ વખત જ આ કામ કર્યું હતું. હાલ પોલીસ આ દારૂ કોને સપ્લાય કરવાનો હતો અને આ આખા રેકેટ પાછળ કયો માસ્ટરમાઇન્ડ કામ કરી રહ્યો છે તેની ઊંડી તપાસ કરી રહી છે.
દિલ્હીથી રાજધાની એક્સપ્રેસમાં દારૂ લાવતી નેહા બાદ રિયા પકડાતા ચિંતા વધી:
આ અગાઉ સમસ્તીપુરમાંથી પોલીસે 'નેહા' નામની મોડેલ જેવી દેખાતી યુવતીને દિલ્હીથી આવતી પ્રીમિયમ ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાંથી કરોડોના દારૂ સાથે પકડી પાડી હતી, જે ડોક્ટરો અને વીઆઈપી લોકોને હોમ ડિલિવરી આપતી હતી. ગુજરાત, બિહાર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ પણ ટ્રેનો મારફતે થઈ રહેલી આ ચોંકાવનારી તસ્કરીએ સુરક્ષા એજન્સીઓના કાન સરવા કર્યા છે. દારૂ માફિયાઓ હવે પોલીસની નજરથી બચવા માટે નિર્દોષ અને ભણેલી-ગણેલી યુવતીઓનો 'કેરિયર' તરીકે ઉપયોગ કરી રહ્યા હોવાનો આ ગંભીર ખુલાસો થયો છે.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
