તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
કાકાનો હાથ પકડીને ગિરનાર પર્વત ઉપર ચડતા ૧૧ વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો હોવાનું ખુલ્યું
ગિરનાર પર્વત યાત્રાધામ ઉપરાંત વન્યજીવ અભયારણ્યનો પણ ભાગ છે : છેલ્લા કેટલાક સમયથી માનવ વસ્તી અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષના કિસ્સા વધતા લોકોમાં ચિંતા

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧૧ : એશિયાઈ સિંહોના નિવાસસ્થાન ગિરનાર પર્વત પરથી ફરી એક વખત માનવ-વન્યજીવ સંઘર્ષની દર્દનાક ઘટના સામે આવી છે. વહેલી સવારે ગિરનારની સીડીઓ ચઢી રહેલા 11 વર્ષના એક બાળક પર સિંહે જીવલેણ હુમલો કરીને તેને જંગલમાં ખેંચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેમદાવાદ જિલ્લાના મોદજ ગામના મહેન્દ્રસિંહ ચૌહાણ સહિતના 50 થી 60 લોકો આજે સવારે ગિરનારની યાત્રાએ જવા નીકળ્યા હતા. આ લોકો જ્યારે ગિરનાર પર્વતની સીડીના 50 પગથિયે પહોંચ્યા ત્યારે સીડી પર લાઈટના અભાવે અંધકાર વચ્ચે અચાનક ધસી આવેલા સિંહે હુમલો કર્યો હતો
કાકાનો હાથ પકડીને ગિરનાર પર્વત ચડી રહેલ 11 વર્ષના મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણને જંગલમાંથી અચાનક આવેલા સિંહે બાળક પર હુમલો કરી દીધો હતો. સિંહ બાળકને ખેંચીને નજીકના જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સમગ્ર વિસ્તારમાં સિંહની હાજરીને પગલે સ્થાનિક લોકો અને યાત્રાળુઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
ગિરનાર પર્વત યાત્રાધામ ઉપરાંત વન્યજીવ અભયારણ્યનો પણ ભાગ છે. છેલ્લા કેટલાક સમયથી અહીં માનવ વસ્તી અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષના કિસ્સા વધી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ અને સ્થાનિકોને સવાર-સાંજ એકલા જંગલ વિસ્તારમાં કે સીડીઓ પર ન જવાની અપીલ કરવામાં આવી છે.
આ ઘટના બાદ ગિરનાર પર જતા ભાવિકોની સુરક્ષા અને વન વિભાગની દેખરેખને લઈને ફરી એકવાર સવાલો ઉઠવા લાગ્યા છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
