<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

મહારાષ્ટ્રમાં ઓલા-ઉબેર અને રેપિડો પર કાનૂની હથોડો: ૪.૫ લાખ બાઇક ટેક્સીઓ ગેરકાયદેસર જાહેર!

૧ ઓગસ્ટથી દરરોજ ચૂકવવો પડશે ટેક્સ : માત્ર મહારાષ્ટ્રનું ડોમિસાઇલ ધરાવતા યુવાનો જ દોડાવી શકશે બાઇક ટેક્સી : પેટ્રોલ બાઇકના નામે મનમાની કરનારી કંપનીઓ પર સિકંજો

મુંબઈ: મહારાષ્ટ્રમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ-આધારિત કંપનીઓ દ્વારા દોડાવવામાં આવતી બાઇક ટેક્સીઓ પર સરકારે અત્યાર સુધીની સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકે મહારાષ્ટ્ર વિધાનસભામાં સનસનાટીભર્યો ખુલાસો કરતા જણાવ્યું છે કે હાલમાં રાજ્યના રસ્તાઓ પર અંદાજે ૪,૦૦,૦૦૦ થી ૪.૫ લાખ બાઇક ટેક્સીઓ કોઈપણ માન્ય પરમિટ વિના સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે દોડી રહી છે. આ બેલગામ વ્યવસાયને કાયદાના દાયરામાં લાવવા માટે સરકારે એક ધમાકેદાર પોલિસી તૈયાર કરી છે, જેને કાયદા અને ન્યાય વિભાગની મંજૂરી મળતા જ ૧ ઓગસ્ટ, ૨૦૨૬ થી સમગ્ર રાજ્યમાં કડક રીતે લાગુ કરી દેવામાં આવશે.

સરકારની આ નવી નીતિથી ગેરકાયદે રાઇડિંગ કરાવતી કંપનીઓના નફા પર મોટો બ્રેક વાગશે. નવી જોગવાઈ અનુસાર, હવેથી દરેક બાઇક ટેક્સી ડ્રાઇવર પાસેથી ₹૫ પ્રતિ દિવસની વહીવટી ફી વસૂલવામાં આવશે, એટલું જ નહીં, ગ્રાહક પાસેથી લેવાતા કુલ ભાડાના ૨% રકમ 'કલ્યાણ ભંડોળ' (વેલફેર ફંડ) પેટે સરકારના ખાતામાં જમા કરાવવી પડશે. મંત્રી સરનાઇકે સ્પષ્ટ કર્યું કે શરૂઆતમાં આ કંપનીઓને માત્ર પર્યાવરણને અનુકૂળ ઇલેક્ટ્રિક બાઇક (E-Bikes) ચલાવવાની જ છૂટ અપાઈ હતી, પરંતુ ટેકનોલોજીની આડમાં આ કંપનીઓએ ગુપચુપ હજારો પેટ્રોલથી ચાલતી બાઇક્સ રસ્તા પર ઉતારી દીધી હતી, જેના કારણે પરિવહન વિભાગે હવે આ આકરા આર્થિક દંડનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે.

આ કાયદાનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક એ છે કે હવે મહારાષ્ટ્રમાં બાઇક ટેક્સી ચલાવવાની પરમિટ માત્ર અને માત્ર એવા સ્થાનિક યુવાનોને જ મળશે જેમની પાસે મહારાષ્ટ્રનું સત્તાવાર 'ડોમિસાઇલ પ્રમાણપત્ર' (રહેવાસી હોવાનો પુરાવો) હશે. આ સિવાય ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ અને સરકારી બેજ હોવો પણ અનિવાર્ય રહેશે, જેનાથી અન્ય રાજ્યોમાંથી આવીને અહીં ગેરકાયદેસર રીતે બાઇક દોડાવતા તત્વો પર આપોઆપ પ્રતિબંધ આવી જશે. સરકારી આંકડા દર્શાવે છે કે એપ્રિલ ૨૦૨૫ થી મે ૨૦૨૬ ના ગાળામાં જ ગેરકાયદે બાઇક ટેક્સીઓ પાસેથી ₹૩૯ લાખથી વધુનો દંડ વસૂલાયો છે અને ૧,૦૦૦ થી વધુ વાહનો ડિટેઈન કરાયા છે, ત્યારે ૧ ઓગસ્ટથી આવનારો આ નવો નિયમ બાઇક ટેક્સી ઇન્ડસ્ટ્રીના સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખશે.

(7:18 PM IST)