News of Saturday, 7th November 2026
અમેરિકાથી લોરેન્સ ગેંગના શૂટરને લાવવામાં CBI સામે કાયદાકીય કટોકટી : હેરી બોક્સરનું ભારત પ્રત્યાર્પણ આસાન નથી
કેલિફોર્નિયામાં ICE ની કસ્ટડીમાં રહેલા હરિચંદ જાટ ઉર્ફે હેરી બોક્સરને ભારત લાવવા CBI ની દોડધામ : યુએસ ઇમિગ્રેશન કોર્ટ, આશ્રયનો દાવો અને મલ્ટી-સ્ટેટ FIR ડોઝિયર બન્યા સૌથી મોટા રોડા

નવી દિલ્હી : કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના શાર્પશૂટર હરિચંદ જાટ ઉર્ફે હેરી બોક્સરની અમેરિકાના કેલિફોર્નિયામાં યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા ઇમિગ્રેશન નિયમોના ભંગ બદલ અટકાયત કરવામાં આવ્યા બાદ, તેને ભારત લાવવાની કવાયત તેજ થઈ ગઈ છે. બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ફાયરિંગ સહિત હત્યા, ખંડણી અને ધમકીના અનેક ગુનાઓમાં લોન્ટેડ આ શૂટર અમેરિકાની ધરતી પરથી પોતાની ગેંગનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને વિદેશ મંત્રાલય તેને ભારત લાવવા માટે પ્રત્યાર્પણ (Extradition) ની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા છે, પરંતુ અમેરિકન કાયદાકીય પ્રક્રિયાના જટિલ વલણના કારણે CBI માટે રસ્તો અત્યંત કાંટાળો દેખાઈ રહ્યો છે.
હેરી બોક્સરની ધરપકડ ભારતીય ફોજદારી કેસના આધારે નહીં પરંતુ માત્ર ઇમિગ્રેશન વિરોધી ગેરકાયદેસર રોકાણ બદલ થઈ હોવાથી સૌથી પહેલાં યુએસ ઇમિગ્રેશન કોર્ટ તેની કાર્યવાહી પૂર્ણ કરશે. ભારતે અમેરિકી પ્રશાસનને એક અત્યંત મજબૂત અને પુરાવાયુક્ત ડોઝિયર સોંપવું પડશે, જેમાં રાજસ્થાન, પંજાબ, દિલ્હી અને મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરાયેલી FIR, ફોરેન્સિક પુરાવા, વોઈસ ક્લિપ્સ અને ચાર્જશીટનું એકીકરણ કરવું પડશે. અનેક રાજ્યોની એજન્સીઓ પાસેથી દસ્તાવેજો એકઠા કરીને સિંગલ વિન્ડો ડોઝિયર તૈયાર કરવું એ CBI માટે પ્રથમ મોટો પડકાર છે.
આ ઉપરાંત, અમેરિકી કાનૂની વ્યવસ્થા હેઠળ આરોપીને અપીલ કરવાની અને 'પોલિટિકલ અસાયલમ' (રાજકીય આશ્રય) માંગવાની સંપૂર્ણ છૂટ મળે છે. જો હેરી બોક્સર યુએસ કોર્ટમાં માનવાધિકાર કે રાજકીય આશ્રયનો દાવો ઠોકી દે છે, તો આ કાયદાકીય લડાઈ મહિનાઓ નહીં પણ વર્ષો સુધી લંબાઈ શકે છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને મુંબઈ ક્રાઈમ બ્રાંચ અત્યારે CBI ને તમામ પુરાવા પૂરા પાડી રહી છે, પરંતુ જ્યાં સુધી યુએસ ફ્રેડરલ કોર્ટ લીલી ઝંડી ન આપે ત્યાં સુધી બિશ્નોઈ ગેંગના આ શાર્પશૂટરનું ભારત પ્રત્યાર્પણ શક્ય બનશે નહીં.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
