<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

અભિનેત્રી શ્રીદેવીની ચેન્નાઈ સ્થિત કરોડોની મિલકત પર કાનૂની જંગ: સુપ્રીમ કોર્ટે આપ્યો યથાસ્થિતિ જાળવવાનો આદેશ

૪.૭ એકર જમીનમાં હિસ્સાનો દાવો કરનાર અરજદારોની પિટિશન પર બોની કપૂર, જાહ્નવી કપૂર અને ખુશી કપૂરને સુપ્રીમ કોર્ટની નોટિસ

નવી દિલ્હી:બોલીવુડના સ્વર્ગસ્થ સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીના પરિવારની ચેન્નાઈ સ્થિત કિંમતી જમીનને લઈને ચાલી રહેલા વિવાદમાં સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વિવાદિત મિલકત પર હાલ પૂરતી 'યથાસ્થિતિ' (Status Quo) જાળવી રાખવાનો હુકમ કર્યો છે. આ જમીનમાં પોતાનો કાયદેસરનો વારસા હિસ્સો હોવાનો દાવો કરતી અરજી પર સુનાવણી હાથ ધરતા અદાલતે નિર્માતા બોની કપૂર, તેમની પુત્રીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂરને નોટિસ જારી કરીને સત્તાવાર જવાબ માંગ્યો છે.

આ સમગ્ર કાનૂની વિવાદ ચેન્નાઈના ઈસ્ટ કોસ્ટ રોડ નજીક આવેલી આશરે ૪.૭ એકર જમીન સાથે જોડાયેલો છે. અરજદારો એમ.સી. શિવ કામી, તેમના ભાઈ એમ.સી. નટરાજન અને માતા ચંદ્રભાનુએ દાવો કર્યો છે કે આ જમીન મૂળ તેમના દાદાની માલિકીની હતી. કૌટુંબિક વારસાના ભાગરૂપે તેમના પિતા મુદલિયાર દ્વારા આ મિલકતમાં તેમનો પાંચમો ભાગ થાય છે. આથી, ૧૯ એપ્રિલ, ૧૯૮૮ ના રોજ શ્રીદેવી અને તેમના પરિવારના નામે ખરીદવામાં આવેલી જમીનના રજિસ્ટર્ડ દસ્તાવેજો રદ કરવાની અરજદારોએ માંગ કરી છે.


બીજી તરફ, નીચલી અદાલતમાં બોની કપૂરના પક્ષે અરજદારોના તમામ દાવાઓને સખત શબ્દોમાં ફગાવતા રજૂઆત કરી હતી કે આ કેસ કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી. તેમણે દલીલ કરી હતી કે અરજદારોની માતા ચંદ્રભાનુના લગ્ન સમયે તેમના પતિ અગાઉથી પરિણીત હતા, જેથી કાયદા મુજબ આ લગ્ન જ અમાન્ય ઠરે છે.

આ ઉપરાંત બોની કપૂરે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો કે અરજદારોએ કોર્ટથી મહત્વપૂર્ણ તથ્યો છુપાવ્યા છે. આ જમીન પર માલિકી અંગેના દાવા અગાઉ પણ અદાલતો દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા, જેને સર્વોચ્ચ અદાલતે પણ અગાઉ માન્ય રાખ્યા હતા. સુપ્રીમ કોર્ટે હવે બંને પક્ષોની દલીલો ધ્યાને લઈ મિલકત પર યથાસ્થિતિનો આદેશ આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:06 PM IST)