News of Tuesday, 28th July 2026
યુએસ મધ્યસત્ર ચૂંટણી પહેલાં કાનૂની સંગ્રામ: મેઇલ-ઇન વોટિંગ આદેશને પુનર્જીવિત કરવા ટ્રમ્પ પ્રશાસન પહોંચ્યું સુપ્રીમ કોર્ટ
નીચલી અદાલતોના સ્ટે સામે સોલિસિટર જનરલની તાત્કાલિક વિનંતી; ૨૩ રાજ્યો અને કોલંબિયા ડિસ્ટ્રિક્ટે રાષ્ટ્રપતિના એક્ઝિક્યુટિવ ઓર્ડર સામે બાંયો ચડાવી

વોશિંગ્ટન : અમેરિકામાં આગામી નવેમ્બરમાં યોજાનારી મહત્વની મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં રાજકીય અને કાનૂની પારો ગરમાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને મેઇલ-ઇન મતદાન (ટપાલ દ્વારા મતદાન) પર રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વિવાદાસ્પદ એક્ઝિક્યુટિવ ઓર્ડરને તાત્કાલિક પુનર્જીવિત કરવા માટે યુએસ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. નીચલી અદાલતોએ દેશના લગભગ અડધા ભાગમાં આ આદેશ પર રોક લગાવી દીધી હતી, જેને હટાવવા માટે ન્યાય વિભાગે દેશની સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી છે.
શું છે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો વિવાદાસ્પદ આદેશ?
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ચ મહિનામાં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો હતો. આ આદેશ હેઠળ ફેડરલ એજન્સીઓ—જેવી કે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ અને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન—ને તમામ રાજ્યોને લાયક નાગરિકોની એક વિશેષ "રાજ્ય નાગરિકતા યાદી" પ્રદાન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત, યુએસ પોસ્ટલ સર્વિસ (USPS) ને ફક્ત તે યાદીમાં સમાવિષ્ટ માન્ય મતદારોને જ અનન્ય ટ્રેકિંગ બારકોડવાળા સુરક્ષિત પરબિડીયાઓમાં મેઇલ બેલેટ પહોંચાડવાનો આદેશ અપાયો છે. જે રાજ્યો અથવા સ્થાનિક સત્તાવાળાઓ આ નીતિનો અમલ નહીં કરે, તેમના ફેડરલ ભંડોળને અટકાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
૨૩ રાજ્યો વિરુદ્ધ ટ્રમ્પ પ્રશાસન: બંધારણીય અધિકારોનો મુદ્દો
ડેમોક્રેટિક અધિકારીઓના નેતૃત્વ હેઠળના ૨૩ રાજ્યો અને કોલંબિયા ડિસ્ટ્રિક્ટે આ આદેશને અદાલતમાં પડકાર્યો છે. વાદી રાજ્યોની દલીલ છે કે અમેરિકી બંધારણ મુજબ ચૂંટણી સંબંધિત નિયમો બનાવવાનો અધિકાર રાજ્યો અને કોંગ્રેસ (સંસદ) પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. આ ફેરફારોથી મતદારોમાં ગૂંચવણ ઊભી થશે અને આ વ્યવસ્થાનો દુરુપયોગ થઈ શકે છે.
આ અગાઉ બોસ્ટનની ફેડરલ કોર્ટના જજ ઇન્દિરા તલવાનીએ આ ઓર્ડર પર સ્ટે આપ્યો હતો, જેને ફર્સ્ટ યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે પણ જાળવી રાખ્યો હતો. બીજી તરફ, વોશિંગ્ટનના જજ કાર્લ નિકોલ્સે આ પડકારને અકાળ ગણાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલની દલીલ
સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા સોલિસિટર જનરલ ડી. જોન સોઅરે દલીલ કરી હતી કે રાષ્ટ્રપતિનો ઓર્ડર માત્ર "સામાન્ય નીતિ માર્ગદર્શન" આપે છે અને તે રાજ્યોની ચૂંટણી પ્રક્રિયામાં સીધો હસ્તક્ષેપ કરતો નથી. તેમણે જણાવ્યું હતું કે નવેમ્બરની ચૂંટણીઓ માટે આ નીતિ અસરકારક બનાવવી હોય તો ઓગસ્ટની શરૂઆતમાં જ તેનો અમલ કરવો જરૂરી છે. સુપ્રીમ કોર્ટે વિપક્ષી રાજ્યોને ૩ ઓગસ્ટ સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે.
મેઇલ-ઇન વોટિંગ પર રાજકીય ગરમાવો
ટ્રમ્પ લાંબા સમયથી મેઇલ-ઇન મતદાનના વિરોધી રહ્યા છે. તાજેતરમાં મિશિગનમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે મેઇલ-ઇન વોટિંગને "સ્વાભાવિક રીતે ભ્રષ્ટ" ગણાવ્યું હતું અને મતદાર ઓળખપત્ર (Voter ID) તથા નાગરિકતાના પુરાવાને ફરજિયાત બનાવતો કાયદો લાવવા કોંગ્રેસને વિનંતી કરી હતી.
જોકે, ફેડરલ ડેટા દર્શાવે છે કે ૨૦૨૪ ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લગભગ ૩૦% મતો ટપાલ દ્વારા પડ્યા હતા. ઉપરાંત, 'બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશન'ના ૨૦૨૫ ના એક અભ્યાસ મુજબ દર ૧૦ મિલિયન ટપાલ મતોમાંથી છેતરપિંડીના સરેરાશ માત્ર ચાર કેસ જ સામે આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે યુએસ સુપ્રીમ કોર્ટ ચૂંટણીના આ મહત્વના તબક્કે ટ્રમ્પ પ્રશાસનની તરફેણમાં ચુકાદો આપે છે કે નીચલી કોર્ટનો નિર્ણય જાળવી રાખે છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
