તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
લેબેનોનનું આતંકી સંગઠન હિઝબુલ્લાહ શરણાગતિ સ્વીકારી હથિયાર હેઠા નહીં મૂકે, ત્યાં સુધી ઇઝરાયલી સેના પાછી પાની કરશે નહીં
ઇઝરાયલના વરિષ્ઠ મંત્રી બેઝલેલ સ્મોટ્રિચે દાવો કર્યો કે અમેરિકા પણ ઇઝરાયલની 'રેડ લાઈન્સ' ને સારી રીતે સમજે છે અને વોશિંગ્ટન તરફથી સેના હટાવવાની કોઈ ઔપચારિક માંગ કરવામાં આવશે નહીં.

મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના વૈશ્વિક પ્રયાસો વચ્ચે ઇઝરાયલે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી લેબેનોનનું આતંકી સંગઠન હિઝબુલ્લાહ સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારીને હથિયાર હેઠા નહીં મૂકે, ત્યાં સુધી ઇઝરાયલી સેના પાછી પાની કરશે નહીં. ઇઝરાયલના વરિષ્ઠ મંત્રી બેઝલેલ સ્મોટ્રિચે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે અમેરિકા પણ ઇઝરાયલની 'રેડ લાઈન્સ' (લક્ષ્મણ રેખા) ને સારી રીતે સમજે છે અને વોશિંગ્ટન (અમેરિકા) તરફથી સેના હટાવવાની કોઈ ઔપચારિક માંગ કરવામાં આવશે નહીં.
ઇઝરાયલી નેતા સ્મોટ્રિચે જણાવ્યું હતું કે, વર્તમાન સરહદી વ્યવસ્થા ઇઝરાયલની સુરક્ષા જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતી નથી અને દેશને "રક્ષણાત્મક રીતે સુરક્ષિત સરહદો" ની જરૂર છે. આ માટે ઇઝરાયલ માત્ર કામચલાઉ સૈન્ય ચોકીઓ જ નહીં, પરંતુ સુરક્ષા ક્ષેત્રમાં કાયમી સૈન્ય માળખું અને મજબૂત બેઝ પણ વિકસિત કરી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "જ્યાં સુધી હિઝબુલ્લાહ હથિયાર નહીં છોડે, અમે એક મિલીમીટર પણ પાછા હટીશું નહીં." આ મુદ્દે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ મંત્રી પણ તેમની સાથે સહમત હોવાનો તેમણે દાવો કર્યો હતો.
પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ અને તણાવ ઓછો કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને લાગુ કરવા માટે સ્વિટ્ઝરલેન્ડમાં એક અત્યંત મહત્વપૂર્ણ વાર્તા શરૂ થવા જઈ રહી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ હાઈ-લેવલ વાતચીતમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચી ગયા છે. સ્વિસ વિદેશ મંત્રાલયે પણ પુષ્ટિ કરી છે કે ઈરાનનું પ્રતિનિધિમંડળ પણ ત્યાં આવી પહોંચ્યું છે. આ ઐતિહાસિક બેઠક સ્વિટ્ઝરલેન્ડના પ્રસિદ્ધ 'બર્ગનસ્ટોક રિસોર્ટ' ખાતે યોજાવા જઈ રહી છે, જ્યાં આગામી થોડા દિવસો સુધી બંને પક્ષો યુદ્ધવિરામ અને સમજૂતીના વિવિધ પાસાઓ પર ગહન ચર્ચા કરશે.
જો કે, આ શાંતિ વાર્તા શરૂ થાય તે પહેલા જ વિસ્તારમાં ફરી નવો રાજદ્વારી તણાવ ઉભો થતો જોવા મળી રહ્યો છે. ઈરાને વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) ને ફરીથી બંધ કરી દેવાનો દાવો કર્યો છે. આ સિવાય લેબેનોનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે પણ છૂટાછવાયા હુમલા ચાલુ હોવાથી તણાવ યથાવત છે. આવી સ્થિતિમાં સ્વિટ્ઝરલેન્ડની આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે, કારણ કે આ વાટાઘાટો જ નક્કી કરશે કે મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાશે કે પછી ફરી ભયંકર યુદ્ધ ફાટી નીકળશે
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
