<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ટેક જગતમાં છટણીનો હાહાકાર: ક્લાઉડફ્લેરે 1,100 થી વધુ કર્મચારીઓને ઘરભેગા કર્યા, ચાલુ વર્ષે 93,000 થી વધુ લોકોએ ગુમાવી નોકરી

AI એન્જન્ટ્સ અને ઓટોમેશન બન્યા રોજગાર માટે મોટો પડકાર: ફ્રેશવર્કસ, કોઈનબેઝ અને એમેઝોન જેવી દિગ્ગજ કંપનીઓએ પણ કર્મચારીઓની સંખ્યામાં કર્યો મોટો કાપ

સાન ફ્રાન્સિસ્કો:  વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રે છટણીનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. સાયબર સિક્યોરિટી દિગ્ગજ કંપની 'ક્લાઉડફ્લેર' (Cloudflare) એ તાજેતરમાં તેના કુલ વર્કફોર્સના ૨૦ ટકા એટલે કે આશરે ૧,૧૦૦ થી વધુ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે આ નિર્ણય વ્યક્તિગત દેખાવના આધારે નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના વધતા ઉપયોગ અને આંતરિક માળખાકીય ફેરફારોને કારણે લેવામાં આવ્યો છે.
માત્ર ૨૦૨૬ ના પ્રથમ પાંચ મહિનામાં જ ૧૦૬ થી વધુ કંપનીઓએ ૯૩,૦૦૦ થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કર્યા છે. ક્લાઉડફ્લેરના સીઈઓ મેથ્યુ પ્રિન્સના જણાવ્યા અનુસાર, કંપનીમાં AI એન્જન્ટ્સનો ઉપયોગ માત્ર ત્રણ મહિનામાં ૬૦૦ ટકા વધ્યો છે, જેના કારણે એન્જિનિયરિંગ, એચઆર અને માર્કેટિંગ જેવા વિભાગોમાં કામ કરવાની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ પરિવર્તન 'એજન્ટિક એઆઈ યુગ' (Agentic AI Era) તરફના પ્રયાણનો સંકેત આપે છે.
માત્ર વિદેશી જ નહીં, પણ ભારતીય મૂળની કંપનીઓમાં પણ આની અસર જોવા મળી રહી છે. ચેન્નાઈ સ્થિત SaaS કંપની ફ્રેશવર્કસ (Freshworks) એ પણ તેના ૧૧ ટકા કર્મચારીઓની છટણી કરી છે. એમેઝોને આ વર્ષે ૧૬,૦૦૦ કોર્પોરેટ નોકરીઓમાં કાપ મૂક્યો છે, જ્યારે મેટા (Meta) પણ આવતા મહિનાથી હજારો કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ જેવી કે TCS, Infosys અને Wipro માં પણ કર્મચારીઓની કુલ સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
નિષ્ણાતો અને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) ના સર્વે મુજબ, આગામી પાંચ વર્ષમાં વિશ્વની ૪૧ ટકા કંપનીઓ AI ને કારણે તેમના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી શકે છે. જોકે, બીજી તરફ બિગ ડેટા અને AI ક્ષેત્રે નવી નોકરીઓ ૨૦૩૦ સુધીમાં બમણી થવાની પણ શક્યતા છે. અત્યારે ટેક કંપનીઓ 'બ્યુરોક્રેસી' ઘટાડવા અને વધુ ઝડપથી કામ કરવા માટે માનવબળના સ્થાને AI અને ઓટોમેશન પર વધુ નિર્ભર બની રહી છે.

(10:52 PM IST)